ચૂંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થશે, નવી યોજનાઓનું એલાન નહીં થઈ શકે

Spread the love

આદર્શ આચારસંહિતાનો અર્થ પાર્ટીઓ-ઉમેદવારો માટે બનેલી ગાઈડલાઈન છે, આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે

નવી દિલ્હી

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની સાથે-સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી શકે છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા (એમસીસી) લાગુ થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) રાજીવ કુમાર આચારસંહિતા લાગુ થવાની જાહેરાત કરશે. આદર્શ આચારસંહિતાનો અર્થ પાર્ટીઓ અને ઉમેદવારો માટે બનેલી ગાઈડલાઈન છે. આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પ્રક્રિયા પૂરી થવા સુધી એટલે કે, પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે. બંધારણમાં આદર્શ આચારસંહિતાની જોગવાઈ નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આદર્શ આચારસંહિતાને કડકાઈથી પ્રખ્યાત ચૂંટણી કમિશનર ટીએન શેષને લાગુ કરી હતી. એમસીસી હેઠળ કેટલાક નિયમો છે જેનું રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ પાલન કરવું ફરજિયાત છે. આ નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે.

આદર્શ આચાર સંહિતા એ ગાઈડલાઈનનું કલેક્શન છે જે ચૂંટણી પંચે બનાવી છે જેથી કરીને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય. આદર્શ આચાર સંહિતા આઠ ભાગોમાં વહેંચાયેલી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે આદર્શ આચાર સંહિતા ‘રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે’ છે. તેમાં સામાન્ય આચરણથી લઈને બેઠકો, સરઘસો સાથે સંબંધિત ગાઈડલાઈન છે. ચૂંટણી ઢંઢેરામાં શું કરી શકાય તે અંગેના નિયમો પણ છે. એમસીસી પોતાનામાં કાયદેસર રીતે અસરકારક નથી પરંતુ ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેની તાકાત મળે છે. આદર્શ આચાર સંહિતાનો ભૌગોલિક વિસ્તાર સમગ્ર ચૂંટણી ક્ષેત્ર હોય છે.

આદર્શ આચારસંહિતા: સત્તારૂઢ પાર્ટી માટે મુખ્ય નિયમ

– આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ સરકારને લોકલુભાવન જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે. સરકાર કોઈ નીતિગત નિર્ણય ન લઈ શકે.

– આચારસંહિતા લાગુ રહે તે દરમિયાન કોઈ પણ નવી યોજનાને લાગુ ન કરી શકાય. મંત્રીઓના ચૂંટણી કામ માટે સરકારી મશીનરીના ઉપયોગ પર પ્રતિબંધ છે.

– આદર્શ આચાર સંહિતા દરમિયાન સરકાર કોઈપણ પ્રકારની આર્થિક ગ્રાન્ટ, રસ્તા કે અન્ય સુવિધાઓનું વચન, એડ હોકની નિમણૂંક ન કરી શકે.

– આચાર સંહિતા લાગુ થવા પહેલાથી ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓ પર રોક લગાવવામાં નથી આવતી. પરંતુ તેનો ચૂંટણી પ્રોપગેન્ડાની જેમ ઉપયોગ કરવા પર જરૂર રોક લગાવવામાં આવે છે.

– ચૂંટણી સાથે પ્રત્યક્ષ/પરોક્ષ રીતે જોડાયેલા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર રોક લગાવી દેવામાં આવે છે. જરૂર પડવા પર ચૂંટણી પંચની પરવાનગી લઈને મુક્તિ લઈ શકાય છે.

– સરકારી ખર્ચે પાર્ટીની સિદ્ધિઓના વિજ્ઞાપનો ન આપી શકાય. સાંસદ નિધિમાંથી નવું ફંડ જાહેર ન કરી શકાય. સરકાર સાથે જોડાયેલી નાણાકીય સંસ્થાઓ કોઈની લોન રાઈટ-ઓફ ન કરી શકે.

એમસીસી: રાજકીય પાર્ટી, ઉમેદવારો માટે નિર્દેશ અને અન્ય નિયમ

– કોઈ પાર્ટી અથવા ઉમેદવાર એવી કોઈ ગતિવિધિમાં સામેલ ન થઈ શકે જેમાં ધર્મ, સંપ્રદાય, જાતિ અથવા ભાષાના કારણે તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય.

– અન્ય રાજકીય પાર્ટી/ઉમેદવારોની ટીકા કરતા મર્યાદાનું ધ્યાન રાખવું. વ્યક્તિગત જીવનની ટીકા ન કરવી.

– ધર્મ-જાતિના નામ પર મત ન માંગી શકાય. મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ધાર્મિક મહત્વ કે અન્ય સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન કરવો.

– મત ખરીદવા, તેને પોલિંગ સ્ટેશન સુધી લાવવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવા જેવી ‘ભ્રષ્ટ’ ગતિવિધિઓથી દૂર રહેવું. 

– સરઘસો એ રીતે કાઢવા કે, બીજી પાર્ટીએને મુશ્કેલી ન પડે. એક પાર્ટીના પોસ્ટર બીજી પાર્ટી નહીં હટાવશે.

– જાહેર સભાઓ અને સરઘસોની માહિતી અગાઉથી સ્થાનિક વહીવટીતંત્રને આપીને પરવાનગી લેવાની રહેશે.

– મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લાગી જાય છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *