આ ફાઈટર જેટ મિગનું સ્થાન લેશે અને તેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે
નવી દિલ્હી
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને પહેલું એલસીએ માર્ક-1એ ફાઈટર જેટ ડિલિવર કરી શકે છે. એચએએલ એરફોર્સને શક્ય તેટલી વહેલી તકે પ્રથમ ટ્વીન-સીટર ટ્રેનર સંસ્કરણ એરક્રાફ્ટની ડિલિવરી તરફ કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે, આ ફાઈટર જેટ મિગનું સ્થાન લેશે અને તેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત પર ભાર આપી રહી છે. સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું કહેવું છે કે આ પગલું સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ માટે મોટું પ્રોત્સાહન હશે. એરફોર્સને અદ્યતન જેટ આપવામાં આવશે. અમે 31 માર્ચ સુધીમાં પહોંચાડવા માટે અમારા તમામ શક્ય એટલા પ્રયાસો કરી રહ્યા છીએ અને અમે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એરફોર્સે 83 એલસીએ એરક્રાફ્ટની સપ્લાય માટે એચએએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કોન્ટ્રાક્ટની વેલ્યુ 48 હજાર કરોડ રૂપિયા છે. આ ઉપરાંત 65 હજાર કરોડ રૂપિયાના 97 વધુ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. એલસીએ માર્ક 1 એરક્રાફ્ટને 2016માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
ભારતીમાં બનેલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએ માર્ક-1એને પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. માર્ક-1એ હાલના તેજસ એમકે-1નું આધુનિક સંસ્કરણ છે અને તેને રાજસ્થાનના બિકાનેરમાં નલ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. આ એરક્રાફ્ટ સૌથી અદ્યતન રડાર અને કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ (એવિઓનિક્સ)થી સજ્જ છે.
એરફોર્સમાં મિગ-21, મિગ-23 અને મિગ-27ને બદલે એલસીએ માર્ક 1એ સ્થાન લેવા જઈ રહ્યં છે. મિગ-23 અને મિગ-27 પહેલેથી જ સેવામાંથી બહાર છે. મિગ-21ની બે સ્ક્વોડ્રન સેવામાં છે અને તેને પણ સમાપ્ત કરવામાં આવશે.