દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા
નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ.
NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું!
એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું!
અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય તેવું લાગે છે.
ઓપનિંગ નાઈટની યાદો હજી પણ એટલી તાજી અને યાદગાર છે કે તેના રોમાંચ, અનિશ્ચિતતાઓ અને ઉચાટની એકેએક પળ મને આજે પણ યાદ છે.
મને યાદ છે કે હું અહીં બેકસ્ટેજ પર ઊભી હતી અને પહેલો પ્રતિસાદ કેવો મળે છે તેની ઉત્કંઠાપૂર્વક પ્રતિક્ષા કરી રહી હતી
આપ સહુ, એટલે કે અમારા પ્રિય શ્રોતાઓ તરફથી જે અપ્રતિમ પ્રતિસાદ અને તાળીઓનો ગડગડાટ પ્રાપ્ત થયો, તે ક્ષણ આજે પણ મારા હૃદયમાં જીવનભરની એક સુંદર સ્મૃતિ તરીકે કંડારાયેલી છે!
મને ખ્યાલ છે કે તે એ ક્ષણ હતી જ્યારે આપણે સહુ ખરેખર એક વિશેષ, અત્યંત મહત્ત્વપૂર્ણ, અત્યંત ઉમદા સફરનો શુભારંભ કર્યો હતો અને આપણને આશા હતી કે તેનાથી આપણા દેશને ગૌરવની પ્રાપ્તિ થશે અને આપણી સંસ્કૃતિ ઝળહળી ઉઠશે!
હું આપ સહુની સમક્ષ આજે આનંદવિભોર થઈને કૃતજ્ઞતાની લાગણી સાથે ઉપસ્થિત રહી છું.
આ અત્યંત અસાધારણ પ્રથમ વર્ષ માટે આપ સહુનો આભાર!
આપની ઉપસ્થિતિએ અમારામાં ઊર્જા ભરી દીધી છે. આપની પ્રશંસાએ અમને પ્રેરિત કર્યા છે. અને કલા તેમજ આપણા પ્રાણપ્યારા દેશ માટેના આપના પ્રેમે આ સુંદર સફરની કેડીઓ કંડારી છે.
દિલથી ધન્યવાદ!
ભારત તથા વિશ્વભરના તમામ કલાકારો પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે જેમણે પોતાની કલા વડે અમારા પર શુભાશિષ વરસાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ગત 366 દિવસોમાં અમે NMACC 670 કલાકારો, 700 શો આયોજિત કર્યા છે અને એક મિલિયનથી વધુ દર્શકગણની યજમાની કરી છે.
અમારા આર્ટ હાઉસમાં આ વિશ્વમાં જવલ્લે જ જોવા મળેલા સંખ્યાબંધ અનોખા પ્રદર્શનો યોજાયા છે.
સ્વદેશ દ્વારા અમે આપણા દેશના અંતરિયાળ ગામડાં અને નાના શહેરોના કલાકારોને પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે.
ભારતની સદીઓ જૂની કલા અને કલાકારીને પ્રકાશની દીર્ઘામાં લાવીને તેઓ જે આદર અને સત્કારને હકદાર છે તે પૂરો પાડવો એ અમારા માટે સન્માનની વાત છે.
અત્યંત પ્રભાવશાળી ભારતીય થિએટર શો જેવા કે સિવિલાઈઝેશન ટુ નેશન…થી માંડીને આઈકોનિક બ્રોડવે મ્યુઝિકલ જેવા કે ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક.. સુધી
પરંપરામાં દિગ્ગજોના આતિથેય બનવાથી માંડીને નવોદિત યુવા કલાકારોને સહાયતા કરવા સુધી.. તેમજ બચપન થકી બાળકો સાથે ઉજવણી કરવી…
ભારત અને વિશ્વભરના ક્લાસિકલ, સેમી-ક્લાસિકલ, અથવા લોકસંગીતથી માંડીને… યાદગાર નાટિકાઓ, જવલ્લે જોવા મળતા કલાજૂથો, અને સોલો ડાન્સ પરફોર્મન્સ સુધી..
NMACC ખાતે અમારા સહુના માટે કલાના આ ઘરમાં કલાકારો, અને આપનું,, અમારા મોંઘેરા દર્શકગણનું સ્વાગત કરવું એ અમારા માટે અત્યંત આનંદની વાત છે!
મુકેશ અને મેં સાથે મળીને એક સપનું જોયું હતું કે અમે એક એવું કેન્દ્ર બનાવીશું જે કલા, સંસ્કૃતિ અને જ્ઞાનનો ત્રિવેણીસંગમ બને.
જ્યાં સંગીતને નવો સ્વર મળે, નૃત્યને નવો તાલ મળે, કલાને નવું ઘર મળે અને કલાકારોને નવું આકાશ પ્રાપ્ત થાય.
આપ સહુના સહયોગ અને પ્રોત્સાહન થકી અમે આ સપનું સાકાર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે.
આજે હું અત્યંત વિનમ્રતા અને સંપૂર્ણ આત્મવિશ્વાસપૂર્વક એ કહી શકું છું કે આ સપનું હવે સાકાર થઈ ચૂક્યું છે.
આમાં અમારા તમામ કલાકારોનું અને આપ સહુ દર્શકોનું સૌથી મોટું યોગદાન રહ્યું છે.
આપ છો તો બધી કલાઓ છે, આપ છો તો ભારતની ધરોહર જીવંત છે, અને આપ છો તો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર છે.
હું આપ સહુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માગું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
હું પોતે એક તાલિમબદ્ધ ભરતનાટ્યમ્ નૃત્યાંગના હોવાથી, હું એ ક્ષણે અત્યંત ભાવુક થઈ જાઉં છું જ્યારે આ કલાકારો અમને કહે છે કે અમારું આ સ્થળ તેમના માટે ઘર જેવું છે.. અને તેમણે અહીં જે આદર, આનંદ અને પ્રશંસા પ્રાપ્ત કરી છે તે ક્ષણો તેમના માટે જીવનભર માણવાલાયક બની રહેશે!
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બદલ હું NMACCની સંપૂર્ણ ટીમને ખૂબખૂબ અભિનંદન પાઠવતા બિરદાઉં છું. અમારા તમામ સ્પોન્સર્સનો પણ તેમની ભાગીદારી અને સમર્થન બદલ હું આભાર માનું છું.
મિત્રો,
આ પ્રસંગે હું કલા પ્રસ્તુતિ ઉપરના આપણા પુરાતન ગ્રંથ, નાટ્યશાસ્ત્રના રચયિતા મહર્ષિ ભરતમુનિના શબ્દોને યાદ કરવા માગું છું…
“નૃત્ય, ગીત અને સંગીત- આ ત્રણ આપણી બધી કળાઓમાં શિરમોર છે. કલા એ આ વિશ્વમાં ખરેખર સૌથી ઉમદા અભિવ્યક્તિ છે.”
અમે NMACCના એક વર્ષને પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે, અમે વધુ ઉમદા ઉદ્દેશ અને ઉત્સાહ સાથે આગળ વધવા માગીએ છીએ.
આજે આપણે NMACCની સ્થાપનાના ઉદ્દેશ પ્રત્યે પુનઃસમર્પિત થઈએ છીએ.
મુકેશ અને હું હંમેશાથી માનતા આવ્યા છીએ કે ભારતનો અમૂલ્ય કલા વારસો એ આપણી અલૌકિક રાષ્ટ્રીય ધરોહર છે.
અત્યંત નમ્રતાપૂર્વક, હું એટલું કહીશ કે આ વિશ્વમાં એવો બીજો કોઈ દેશ નથી જે ભારતના સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને ઉંડાણની તોલે આવી શકે.
અને આ વારસાનું સંવર્ધન કરીને તેને અહીં NMACC ખાતે, ભારતીયો તેમજ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીને ભારત માટે કાંઈક કરવું એ અમારા માટે સન્માનની વાત છે.
આપના સહયોગ.. અને અમારા પ્રતિભાવાન કલાકારોના ઉત્સાહ સાથે મળીને અમે આગામી વર્ષને આનાથી પણ વધુ સારું અને વિશાળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરીએ છીએ.
અમારી પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરતા અમે વૈવિધ્યપૂર્ણ કલાત્મક અભિવ્યક્તિથી ભરપૂર એવી ચાર વિશેષ સાંધ્ય પ્રસ્તુતિ તૈયાર કરી છે.
આપની સમક્ષ એ પ્રસ્તુતિ કરતા મને અત્યંત આનંદ થાય છે કે, આ ચાર શો પણ સમગ્ર વર્ષ દરમિયાન પ્રસ્તુત કરાયેલા અન્ય 400 શોની જેમ સંપૂર્ણ સોલ્ડ આઉટ છે!
આ બધું આપના કારણે જ શક્ય બન્યું છે. તમારા કરતા વધુ સારા દર્શકો અમને મળી જ ન શકે!
આપનો ફરીથી આભાર.
આજે, આપણી સમક્ષ એક એવા કલાકાર છે જેમણે ભારતીય સંગીતને એક નવો ધ્વનિ, તાજગીપૂર્ણ અભિવ્યક્તિ, એક નવો સ્વર કંડારીને તેને પ્રદાન કર્યો છે.
ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રભાવ અને અર્વાચીન ધ્વનિના તેમના અનોખા મિશ્રણે આપણી સંગીતની લહેજત માણવાની રીત બદલી નાંખી છે.
તેઓ એક કમ્પોઝર, ગાયક અને સંગીતકાર છે જેઓ અનેક ગુણો ધરાવે છે, અને આજે રાત્રે, આપણે તેમની શ્રેષ્ઠતાને તાદૃશ માણીશું!
દેવીઓ અને સજ્જનો, અત્યંત આનંદ અને ગર્વભેર, અમે પ્રસ્તુત કરીએ છીએઃ
અતુલનીય અમિત ત્રિવેદીની પ્રસ્તુતિ.. ધ ફોક જર્ની ઓફ ઈન્ડિયા.
આજે રાત્રે તેમની સાથે મંચ પર જોડાશે ભારતભરના પ્રતિભાવાન ગાયકો અને સંગીતકારો.
તો ચાલો, આપણે આ શો માણીએ!
આપ સહુનો આભાર. ધન્યવાદ.