ભારતના ઓલિમ્પિક્સ મેડલના સ્વપ્નને સાકાર કરવા સજ્જ સાપુતારાનું સ્પોટર્સ કોમ્પલેક્સ

Spread the love

સાપુતારામાં માત્ર કુદરતી સૌંદર્ય જ આકર્ષણનું કેન્દ્ર નથીઃ સાપુતારાના અત્યાધુનિક વિશાળ સ્પોટર્સ કોમ્પલેક્સ પર બહારથી  પણ નજર નાખીએ તો તેમાં ચાલતી વિવિધ રમત પ્રવૃત્તીને જોવાનું કોઈને પણ મન થઈ જાય

સાપુતારા

કુદરતી સૌંદર્ય માટે જાણીતા રાજ્યના હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષે એવા અનેક જોવાલાયક સ્થળો છે. પણ ખુબજ ઓછા લોકો જાણતા હશે કે આ હિલ સ્ટેશન પર ભારતના 2036ના ઓલિમ્પિકની શક્ય યજમાનીમાં દેશના મેડલ્સના સ્વપ્નને સાકાર કરવાની તૈયારી માટે સરકારે અહીં ઊભું કરેલું સ્પોટર્સ કોમ્પલેક્સ શહેરના પ્રવાસન વારસાને વધુ સમૃધ્ધ બનાવે છે. આ હિલ સ્ટેશન પર જનાર પ્રવાસીઓ રસ્તા પરથી પસાર થતા પણ જો એક નજર આ કોમ્પલેક્સ પર નાખે તો ચોક્કસ તેમનામાં તેની પ્રવત્તીઓને નિહાળવાની જિજ્ઞાસા ઊભી થશે.  

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ને વર્ષ  2013-14થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ‘ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્કૂલ’ તરીકે  કાર્યરત છે. સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનાં ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ માં 84થી વધુ ખેલાડીઓ હાલમાં વૈજ્ઞાનિક ઢબે તાલીમ મેળવી રહ્યા છે.

‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને નિવાસ, ભોજન, અભ્યાસ અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 138 ખેલાડીઓની ક્ષમતા અંતર્ગત હાલમાં કુલ 84 ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં 44 બહેનો અને 40 ભાઈઓ એમ મળી કુલ 84 ખેલાડીઓનો સમાવેશ થાય છે. તદુપરાંત બાળકોની નિવાસ અને ભોજનની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી સરકાર દ્વારા માન્યતા મળેલ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા – જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ 1 મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા છે.

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 84 ખેલાડીઓ તાલીમ લે છે

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હાલમાં કુલ 84 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાં એથ્લેટિક્સમાં 5 ખેલાડીઓ, આર્ચરીમાં 23, હોકીમાં 34, અને વાય. ટી.માં 24 ખેલાડીઓનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સ, આર્ચરીમાં અને હોકીમાં એક કોચ અને એક ટ્રેનર સહિત કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. વાય.ટી.માં ખેલ મહાકુંભના અંડર -9  અને અંડર -11ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક 400 મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકમાં તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે.

મેડલ મેળવનારા કોમ્પ્લેક્સના ખેલાડીઓ

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ મેળવીને અરુણાબેન પટેલે એથ્લેટિક્સ રમતમાં વેસ્ટ ઝોન એથ્લેટિક્સ  ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. હીનાબહેન ચૌધરીએ એથ્લેટિક્સ રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હેતલબહેન દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકાસભાઈ ડુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અંકિત ભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત હોકી રમતમાં રાજ્યકક્ષાએ ટીમ ઇવેન્ટમાં ભાઈઓએ 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

ડાંગના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડીઓ

ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ 4*400 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સરિતાએ વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે 400 મીટર હડલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે મુરલી કુમાર ગાવીતે વર્ષ 2019 માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે મેન્સ 10,000 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્સ ફેવરિટ

સાપુતારામાં આવેલું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે ફેવરિટ મનાય છે. દરિયાની સપાટીથી 1500 મીટરની ઊંચાઈ પર આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ અને તૈયારી કરાવાય તો ઓછા ઓક્સિજન ધરાવતા માહોલમાં પણ ખેલાડી સારું પરફોર્મ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આવા માહોલમાં તાલીમ કરાવવી જરૂરી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *