ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના સહયોગમાં બે વરિષ્ઠ કોચ અને વિવિધ રમતના આઠ યુવા ખેલાડીઓનું પણ સન્માન કરાયું
અમદાવાદ
ભારતીય હોકીના જાદૂગર ધ્યાનચંદના જન્મદિન પર નેશનલ સ્પોટર્સ ડે નિમિત્તે ગુજરાત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત સ્પોટર્સ ઓથોરિટીના સહકારથી અમદાવાદની રાજપથ કલબના ગોલ્ડન ગ્લોરી હોલમાં યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેને લાઈફ ટાઈમ એવોર્ડ,વરિષ્ઠ એથ્લેટિક્સ કોચ અપૂર્બ વિશ્વાસ અને વોલિબોલ કોચ વરજંગ વાળાને શ્રેષ્ઠ કોચ તરીકે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત આરાધના પટેલ બાસ્કેટબોલ, મિરાંત ઈટાલિયા-બાસ્કેટબોલ, જલ્પ પ્રજાપતિ-ફેન્સિંગ, વિવાન શાહ-ચેસ. જેન્સી કાનાબાર-ટેનિસ, બખ્તિયારુદ્દીન મલેક- શૂટિંગ, રુદ્ર પટેલ-ક્રિકેટ અને પેરા ટેબલ ટેનિસ ખેલાડી શાઈની ગોમ્સને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પ્રમેશ મોદી (ટેનિસ), ડેવિડ કાલ્કો (બાસ્કેટબોલ), શક્તિસિંહ (બાસ્કેટબોલ)ને જે-તે રમતના કોચિંગમાં ઉલ્લેખનીય યોગદાન બદલ અને એન્થોની જોસેફને લિજેન્ડ ઓફ ફૂટબોલ તરીકે સન્માનીત કરાયા.
સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના (SAG) ડાયરેકટર જનરલ આર. એસ. નિનામા, માહિતી નિયામક કે.એલ.બચાણી, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ઈન્ડિયન ઓલિમ્પિક કમિટીના વાઈસ ચેરમેન અજય પટેલના હસ્તે આ તમામને સન્માનિત કરાયા હતા. ટ્રોફીઓના સ્પોન્સર સ્ટાર્ટઅપ સ્પોટર્સ ડાયરીના અધિરાજ જાડેજાનું પણ સન્માન કરાયું હતું.
અશોક મિસ્ત્રીએ તેમની આગવી શૈલીમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, એવોર્ડ વિજેતા અને મહેમાનોનો પરિચય આપ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સાબુ ચેરિયને નેશનલ સ્પોટર્સ ડે કેમ ઉજવાય છે તેના પર પ્રકાશ પાડ્યા બાદ એસોસિએશનના સેક્રટરી નરેન્દ્ર આઈ. પંચોલીએ માહિતી ખાતાના અધિકારી હિમાંશુ ઉપાધ્યાયના માગ્દર્શનમાં સૌ પ્રથમ મુખ્યપ્રધાનના કાર્યલયમાં સચિવ અવંતિકા સિંહને મળ્યા બાદ મળેલા પ્રતિસાદ પછી ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી (આઈ/સી) અશ્વિની કુમારને મળ્યા ત્યારે તેમણે આ પ્રકારના કાર્યક્રમને વધુ ઊંચાઈએ લઈ જવા એસએજીને સાથે રાખવા આપેલી સલાહ બાદ જે ગતિથી તમામ અધિકારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવાનું બિડું ઝડપ્યું હોય એમ તમામ મંજૂરી સહિતના કાર્ય ઝડપથી પૂરા કરીને સમારોહ કેવી રીતે ગૌરવપૂર્ણ બન્યો એનો સમગ્ર ઘટનાક્રમ રજૂ કર્યો હતો. એસોસિએશનના પ્રમુખ તુષાર ત્રિવેદીએ એસોસિએશનની સ્થાપનાથી લઈને તેના અત્યાર સુધીના કાર્યો અંગે વિગતવાર માહિતી આપી. ગુજરાત સમાચારના ભવેન કચ્છીએ નેશનલ સ્પોટર્સ ડે પર તેમના પ્રાસંગિક વક્તવ્યમાં ભારતીય હોકીના જાદૂગર ધ્યાનચંદની ખુમારી અને હિટલર સાથેના તેમના ઘર્ષણના પ્રસંગોનું રસપ્રદ વર્ણન કર્યું હતું.
નરહરી અમીને રાજ્યમાં તેમના રમત પ્રધાન તરીકેના કાર્યકાળમાં રમતના વિકાસ માટેના તેમના પ્રયાસોથી લઈને મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમને ઊભું કરવાથી લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને સમૃધ્ધિના પથ પર લાવવામાં તેમની ભૂમિકાની માહિતી આપવા ઉપરાંત અનેક વિપરિત પરિસ્થિતિઓમાં પણ રાજ્યમાં રમતના વિકાસમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓલિમ્પિક આયોજનમાં તમામને સહકાર આપવા આહવાન કર્યું હતું.
SAGના ડાયરેકટર જનરલ આર. એસ. નિનામાએ રાજ્યમાં રમતના વિકાસમાં સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તાલુકા-જિલ્લા કક્ષાથી જ રમત અને રમતવીરોના વિકાસ માટે સરકાર તમામ સ્તરે પ્રયાસ કરી રહી છે ત્યારે આવો સન્માન સમારોહ પ્રસંનીય હોવાનું જણાવ્યું હતું. તેમણે આ સન્માનથી યુવા ખેલાડીઓ પ્રોત્સાહિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્યમાં સારા ખેલાડીઓ તૈયાર થાય એ માટે સરકારે તમામ તાલીમ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે આ સુવિધાઓનો લાભ વધુને વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ લે એવી આશા છે.
અજય પટેલે આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનવા બદલ જય શાહને અભિનંદન પાઠવવા સાથે કહ્યું કે ગુજરાતના ખેલ-ખેલાડીઓ જ નહીં વહિવટકારો પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાઢું કાઢી રહ્યા છે ત્યારે 2036ના ઓલિમ્પિકની યજમાનીના વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરવા તમામ સ્તરે પ્રયાસો કરવા પડશે. આ પ્રયાસોના ભાગરૂપે આવા વધુને વધુ કાર્યક્રમો યોજાય એ આવકાર્ય છે.
1995થી કાર્યરત ગુજરાત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વખતો વખત અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે પણ આવા અનોખા કાર્યક્રમનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી અવિરત પડતા ભારે વરસાદે રાજ્યમાં મુશ્કેલ સ્થિતિ ઊભી કરી હોવા છતા કુદરતે કૃપા કરી હોય એમ આજે અમદાવાદમાં વરસાદની ગતિ મંદ પડતાં આ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. માહિતી ખાતાના અધિકારી હિમાંશુ ઉપાધ્યાયની ટીમે કાર્યક્રમના આયોજનમાં માર્ગદર્શન આપ્યું જ્યારે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓએ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી. અવંતિકા સિંહ અને અશ્વિની કુમાર કાર્યક્રમમાં હાજર રહી ન શક્યા નહતા. અવંતિકા સિંહે કાર્યક્રમ ચાલુ હતો એ સમયે જ ખાસ સંદેશો પાઠવીને એસોસિએશનને આ શાનદાર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. એસોસિએશનના ઉપપ્રમુખ રિપલ ક્રિસ્ટીએ આભાર પ્રવચન કર્યું હતું. સમારોહમાં વિવિધ રમતોના હોદ્દેદારો, પત્રકારો અને સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં એસજીએજીના પેટ્રન હિતેશ પટેલ (પોચી). રામકૃષ્ણ પંડિત, શૈલેષ નાયક, ઉદય પટેલ, અલી અસગર રિઝવી, સુનીલ વૈદ્ય, મહેબુબ કુરેશી, જિજ્ઞેશ વોરા, રાકેશ ગાંધી, પ્રવિણ આહિર અને ચિંતન રામીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.