રાજકોટમાં રૂ. 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ આકાર લેશે
અમદાવાદ
રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે “માતૃદેવો ભવ પિતૃદેવો ભવ”ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વૃધ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦ કરોડ છે. જેમાં 11 માળના 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે. આ સંદર્ભે રાજકોટમાં 23 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2024 સુધી પરમ પૂજ્ય સંત મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા કેટલાંક પત્રકાર મિત્રોએ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આ સેવાકીય ભગીરથ કાર્યમાં ફુલ નહી તો ફુલની પાંદડી સ્વામી પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીને અર્પણ કરી હતી. આ ખૂબ જ પ્રસંશનીય અને અભૂતપૂર્વ ઘટના છે તેમ સ્વામીજીએ ભેટ સ્વીકારતી વખતે આશીર્વચન સ્વરૂપે જણાવ્યું હતું.
હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં “માતૃદેવ ભવ” -“પિતૃ દેવો ભવ” આવી ભાવનાનો પણ હ્રાસ થયો છે, જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે, તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજમાં પૈસાવાળા હોય કે દિકરા દિકરી વિદેશ પરણ્યા હોય કે પછી પોતાનું વતન છોડી વ્યવસાય અર્થે ભારતના કોઈપણ ખૂણે રહેતા હોય એવા સમયે ઘરના વડીલો નિરાધાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો સૌથી કફોડી સ્થિતિ શ્રમીક વર્ગની છે, જેવા કે રીક્ષાવાળા, થેલાવાળા, મજુર, ઘરકામ કરતી બાઈઓ, આયાબહેનો વગેરેની સ્થિતિ કફોડી ત્યારે થાય છે જ્યારે તેઓ શારીરીક રીતે કંઈ કરી શકતા ન હોય. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. સદભાવના વૃધ્ધાશ્રમમાં બધા જ સ્વયંસેવકો નિષ્કામ ભાવે સેવા કરે છે. સદભાવના વૃધ્ધાશ્રમની સમગ્ર ટીમને સંસ્થામાં સેવા પામતા વૃદ્ધોના અંતરના આશીર્વાદ મળ્યા જેના લીધે સદભાવના સંસ્થાનો વિકાસ થયો. આજે ૬૫૦ જેટલા વૃધ્ધોની સેવા થઈ રહી છે જેમાં ૨૦૦ થી વધુ વડીલો તો પથારીવશ છે “ડાઈપર”ઉપર છે, એટલે તેમને તૈયાર કરવા, કપડા બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.
સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે. આ રામ કથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગવિદ્યાપીઠ)નાં સ્થાપક ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના પ. પૂ. ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી પણ ખાસ ઉપસ્થિત રહેશે.