મોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે
ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે
નવી દિલ્હી
કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે ભારતના ઈતિહાસને દર્શાવતી હતી, પરંતુ આ તમામ ઈમારતોને તોડી પાડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ તમામ ઈમારતો વધતી વસ્તી અને શહેરીકરણની માંગ, સલામત ન હોવા, કુદરતી આફત, હુમલાના કારણે તોડી પાડવામાં આવી હતી.
હવે આ ઈમારતોનું સ્થાન અન્ય ઈમારતોએ લઈ લીધું છે અને કેટલીક જગ્યાઓ ખંડેર બની ગઈ છે. એ જાણવું રસપ્રદ બનશે કે ઈમારતો જે તોડવામાં આવી છે તે ભારતના કયા કયા શહેરોમાં બનાવવામાં આવી હતી.
નવી દિલ્હીના પ્ગતિ મેદાન ખાતેનું હોલ ઓફ નેશન્સ
હોલ ઓફ નેશન્સ (ટ્વીન ટાવર) હોલ ઓફ નેશન્સ એક પ્રદર્શન હોલ હતો. જેનું નિર્માણ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં વર્ષ 1972માં કરવામાં આવ્યું હતું. વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું સ્પેસ ફ્રેમ સ્ટ્રક્ચર અહીં બનાવવામાં આવ્યું હતું. આ ઈમારતનું નિર્માણ ભારતની આઝાદીના 25 વર્ષની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અહીં વેપાર મેળાનું પ્રદર્શન થતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાના માપદંડને ધ્યાનમાં રાખીને તેને 24 એપ્રિલ 2017ના રોજ તોડી પાડવામાં આવ્યો હતો.
નોઈડાનું ટ્વીન ટાવર
નોઈડાના સેક્ટર-93એમાં સુપરટેક એમેરાલ્ડ કોર્ટ સોસાયટીમાં આવેલા ટ્વીન ટાવરને વર્ષ 2022માં તોડી પાડવામાં આવ્યા હતા. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને ટાવરમાં વિસ્ફોટકો મૂકવા માટે 9 હજાર 800થી વધુ છિદ્રો કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈમારત ભ્રષ્ટાચારના પાયા પર બનાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સુપરટેકે આ ટાવર બનાવતી વખતે બાંધકામની શરતોનું ઘોર ઉલ્લંઘન કરાયું હતું. આ ટ્વીન ટાવરનું નિર્માણ વર્ષ 2009માં શરૂ થયું હતું. આ બે ટાવરમાં કુલ 950 થી વધુ ફ્લેટ બનાવવાના હતા, પરંતુ કેટલાક ખરીદદારોએ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડિંગના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી
નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી એ નવી દિલ્હીમાં સ્થિત એક ખૂબ જ સુંદર મ્યુઝિયમ હતું. જેનું નિર્માણ વર્ષ 1972માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને વર્ષ 1978માં ખોલવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમ ભારતના પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ કામ કરતું હતું.
આ ઇમારત દિલ્હીના તાનસેન માર્ગ પર બારાખંબા રોડ પર આવેલી હતી. તેને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ વર્ષ 2016માં ભીષણ આગને કારણે આ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ હવે માત્ર યાદો જ રહી ગઈ છે.
ચેન્નાઈની મદ્રાસ સેન્ટ્રલ જેલ
મદ્રાસ સેન્ટ્રલ જેલ ભારતની સૌથી જૂની જેલોમાંની એક હતી, જે બ્રિટિશ રાજ દરમિયાન 1837માં બનાવવામાં આવી હતી. 1855 સુધી તેને મદ્રાસ પેનિટેન્ટરી કહેવામાં આવતું હતું, એ પછી તેનું નામ બદલીને સેન્ટ્રલ જેલ રાખવામાં આવ્યું હતું. તે મૂળરૂપે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બનેલી સેલ્યુલર જેલમાં ‘કાલા પાણીની સજા’ ભોગવી રહેલા દોષિતોને રાખવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ વર્ષ 2006માં આ ઈમારત ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડને સોંપવામાં આવી હતી અને તેને નવા બાંધકામ માટે તોડી પાડવામાં આવી હતી.
પૂણેનો લાલ મહેલ
રેડ પેલેસ એ ભારત માટે ઐતિહાસિક પ્રતીક હતું, જે મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત હતું. તેના મૂળ 1630માં શિવાજી મહારાજના સમયમાં તરફ જાય છે. ત્યારે શિવાજીનો પરિવાર તેમાં રહેતો હતો. માટી અને પથ્થરોથી બનેલા આ સુંદર અને વૈભવી મહેલમાં વિવિધ શાહી સમારંભો થયા હતા, પરંતુ 17મી સદી દરમિયાન મુઘલ હુમલાઓથી આ મહેલ નાશ પામ્યો હતો. જે પછી તેને અલગ રીતે ફરીથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ઇતિહાસના પાનામાં નોંધાયેલ છે, જેમાં એક સમયે શિવાજી મહારાજ તેમના પરિવાર સાથે રહેતા હતા.