નિશાએ 16 હજારથી વધુનું અંતર 220 દિવસમાં પાર કરીને ઈતિહાસ રચ્યો, શુદ્ધ શાકાહારી નિશાનું ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતી માટે સાયકલ પર વિશ્વ ભ્રમણ
અમદાવાદ
ગુજરાતના વડોદરાની નિશાએ વડોદરાથી લંડન સુધીની 16 હજારથી વધુ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચ્યો છે. અત્યંત કપરી સ્થિતિમાં પણ આ યુવતીએ સાયકલ પર વિશ્વ ભ્રમણનું સ્વપ્ન સાકાર કર્યું હતું. નિશાએ તેના સાયકલ ભ્રમણની માહિતી આપતા કહ્યું હતું કે એક વર્ષ પહેલાં વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરવાનું સાહસ પણ ખેડ્યું હતું. જોકે, આ દરમિયાન તેને હિમદંશની વેદનાનો સામનો કરવો પડ્યો અને તેની આંગળીઓમાં હજુ પણ ઠંડીમાં સોય જેવી વેદના અનુભવાય છે.
માઉન્ટેરિંગથી સાયકલ પ્રવાસની પ્રેરણા કઈ રીતે મળી એ બાબતે નિશા કહે છે કે માઉન્ટેરિંગમાં તેને થયેલા કડવા અનુભવ પરથી તેને વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા માટે જાગૃતીની જરૂર હોવાનું લાગતા સાયકલ પર વિશ્વ ભ્રમણ કરીને પર્યાવરણ બચાવવાના સંદેશનો પ્રસાર કરવાના ઈરાદાથી આ પ્રવાસ કર્યો હતો. ઉઝબેકિસ્તાન જેવા રણ પ્રદેશથી લઈને રશિયાના માઈનસ 19 ડિગ્રીમાં સાયકલિંગના કપરા પડકારને પાર કરીને નિશાએ 23 જૂનએ શરૂ કરીને વડોદરાથી લંડનનું 16881 કિમીનું અંતર 220 દિવસે લંડન પહોંચીને પાર કર્યું, દરેક પ્રકારની ઋતુનો સામનો કર્યો. પ્રવાસ દરમિયાન અમે દરેક જગ્યાએ લોકોને વૃક્ષો રોપવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રવાસ દરમિયાન રોજના કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું એ બાબતે નિશાએ કહ્યું હતું કે સરેરાશ 80-100 કિમીનું અંતર અમે પાર કર્યું. પર્વતાળ પ્રદેશ નેપાળમાં રોજના 50-60 કિમી માંડ પસાર થતા હતા જ્યારે ચીનમાં રોજના 200-220 કિમીનું અંતર અમે પુરું કરી લેતા હતા. સફર દરમિયાન અમને લોકોનો ખુબજ સાથ સહકાર સાંપડ્યો હતો. આ પ્રવાસમાં અમને સૌથી મોટો પડકાર ભોજનનો રહ્યો હતો અમે શુધ્ધ શાકાહારી હોઈ અમને ભોજનને લઈને દરેક જગ્યાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમે ઈંડા પણ ખાતા નથી ત્યારે અમે અહીંથી શક્ય બધી જ તૈયારી કરીને જ ગયા હતા. વિશ્વના 16 દેશોમાં ટાઈમ ઝોનને લઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે કેમ એ અંગે નિશાએ કહ્યું કે અમે સાયકલ પર જતા હોઈ આ બાબતે અમને બહુ મુશ્કેલી પડી નહતી. ભારત પરત ફરી ત્યારે સાડા પાંચ કલાકનું અંતર હતું. એ સિવાય ટાઈમ ઝોનની ખાસ અસર થઈ નહતી.
આટલું મોટું અંતર ખાસ કરીને એક મહિલા તરીકે પાર કરનારી નિશાએ ઈતિહાસ રચ્યો એમ કહી શકાય પણ આ સંદર્ભે એવા કોઈ આંકડા તેમની પાસે ઉપલબ્ધ નથી કે આ પહેલાં આવું સાહસ કોઈએ કર્યું છે કે કેમ. આ સાથે તેણે એમ પણ કહ્યું કે અમે ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે પ્રયાસ પણ કર્યો છે. અમે તમામ પ્રકારના પુરાવા સંસ્થાને મોકલ્યા છે. નિશા હવે પછી સાયકલ પર ભારત ભ્રમણ કરવા માગે છે. લગભગ એક લાખ કિલોમીટરના પ્રવાસનું તેનું સ્વપ્ન છે. તેની સાથે તેના કોચ નિલેશ બારોટ રહ્યા હતા જેમણે એક વાહન સાથે રાખીને સતત માર્ગદર્શન અને સમર્થન આપ્યું હતું તથા તમામ પ્રકારની બાબતોમાં મદદ કરી હતી.
આખા પ્રવાસ માર્ગમાં ફક્ત ફ્રાન્સના કાંઠેથી બ્રિટનના કાંઠા સુધી આ પ્રવાસીઓ એ સમુદ્ર માર્ગને બોટમાં પસાર કર્યો તે પછી ઇંગ્લેન્ડની ધરતી પર નિશાએ સાયકલ અને નિલેશભાઈએ વાહન ચલાવ્યું હતું.અને તે પછી લંડનની હદમાં પ્રવેશ્યા હતા.વડોદરાથી જમીન માર્ગે નેપાળ , ચીન સહિત 16 જેટલા દેશોનો સાયક્લ પ્રવાસ હજુ સુધી કોઈ પુરુષ કે મહિલાએ કર્યો હોવાની જાણકારી નથી. સતત પાછળ પાછળ વાહનમાં તેને એસ્કોર્ટ કરીને નિલેશ બારોટે પણ આગવી સિદ્ધિ અંકે કરી છે.
4 total views , 1 views today