અમદાવાદ
રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં પૂર્વમંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું છે. જેઓ નશાબંધી મંડળ ગુજરાતનાં સભ્ય-ટ્રસ્ટી પણ નથી. આ ટ્રસ્ટીઓએ ચેરીટી કમિશનરનાં આદેશ વિરૂધ્ધ જઈને ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી અને ગિરીશ પરમારને પ્રમુખ ઘોષિત કર્યા હતાં.
આ અંગેની વિગતો આપતાં નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ અને સરકારની આબરુનું ધોવાણ થાય તે રીતે ગિરીશ પરમારે તાજેતરમાં પોતાના બાહુબલીઓ સાથે નશાબંધી મંડળ આવી ઓફિસનો ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. ગિરીશ પરમાર માની રહ્યા હતાં કે આ મામલે પોલીસ તેમને મદદ કરશે, પણ કારંજ પોલીસે તેમને ગેરકાયદે મદદ કરવાની ના પા઼ડી દેતા વિલા મોંઢે પાછા ફર્યા હતા.
ચેરિટીના આદેશ પ્રમાણે મિટીંગ કાર્યાલય સ્થળે જ બોલાવવાનો હુકમને અવગણીને ભાજપા ના મહિસાગર જિલ્લાના પ્રભારી જિતેન્દ્ર અમીને કે. પી. વાઘેલાના પ્રમુખપદે ગેરકાયદેસર મિટીંગ બોલાવી હતી, તેમ પણ વિવેક દેસાઈએ ઉમેર્યુ હતું.
વિવેક દેસાઈએ જણાવ્યું કે, નશામુક્તિના નામે ચાલતાં નશાબંધી મંડળમાં ગરીબોની સારવારના નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ તેનો સદ્ઉપયોગ કર્યા સિવાય અમુક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણમાં આવ્યું હતું. આથી આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી યોગ્ય તપાસ કરી આ ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશ્નર હસ્તક રાખવામાં આવે તેવી નશાબંધી મંડળ સાથે સંકળાયેલા અન્ય આગેવાનોની માંગણી હતી.
તેઓએ ઉમેર્યુ કે,ચેરિટી કમિશ્નરે અમારી રજૂઆતનાં સંદર્ભમાં અમારી તરફેણમાં ચુકાદો આપતાં વર્ષો સુધી અંડીગો જમાવી બેઠેલા ટ્રસ્ટી અને કોંગ્રેસી નેતા કરસનદાસ સોનેરી એન્ડ મંડળીનાં પેટમાં તેલ રેડાયુ હતું, પોતાના વર્ષો જુના કૌભાંડ બહાર આવશે તેવા ડર અને વ્યકિતગત સ્વાર્થમાં વર્ષો સુધી ટ્રસ્ટના નામે જલસા કરનાર ટ્રસ્ટીઓએ વિવેક દેસાઈને પ્રમુખ તરીકે હટાવી દેવાનો કારસો રચ્યો હતો. આમ કાયદાકીય લડત હારી ગયા બાદ આ ટ્રસ્ટીઓ ગુજરાતના પુર્વ મંત્રી ગિરીશ પરમારની શરણમાં ગયા હતા, કે જેઓ નશાબંધી મંડળના સભ્ય-ટ્રસ્ટી પણ નથી છતાં ટ્રસ્ટીઓ ચેરીટી કમિશનરના આદેશ વિરુધ્ધ જઈ ગાંધીનગરમાં બેઠક બોલાવી ગિરીશ પરમારને પ્રમુખ ઘોષિત કરી દેતાં રાજ્યની વર્તમાન સરકારની આબરુનું ધોવાણ થાય તેવા સંજોગો ઉભા થયા છે.