અમદાવાદ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતની ઈનિંગ્સ બાદ બીસીસીઆઈ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત તથા કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ અંતર્ગત મેચના દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે મેદાન પર આઈસીસીના પ્રમુખ જય શાહ, રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિત અંગદાન સાથે સંકળાયેલી સંસ્થાઓના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ સાથે અંગદાનની પ્રતિજ્ઞા બાબતે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યું હતું.
આ ઝુંબેશના કારણે અંગદાન માટેની પ્રતિજ્ઞામાં ગુજરાત રાજ્ય જે પહેલા દસમાં પણ ન હતું તે ત્રીજા ક્રમે પહોંચી શક્યું છે. આ પ્રસંગે આઈસીસીના પ્રમુખ જય શાહ, ભારતીય ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરો,ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ,રેડક્રોસના ચેરમેન અજય પટેલ,દિલીપભાઈ દેશમુખ અને ડો.આદિત દેસાઈએ અમદાવાદીઓ અને ગુજરાતીઓને અંગદાન પ્રવૃત્તિ માટે ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપવા બદલ સૌનો આભાર માન્યો.

મોદી સ્ટેડિયમ પર શુભમનની ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સદી
ગિલ અમદાવાદમાં બેટિંગનો સારો રેકોર્ડ ધરાવે છે જ્યાં તેણે ફેબ્રુઆરી 2023માં ન્યુઝીલેન્ડ સામે અણનમ 126 રન સાથે તેનો સર્વોચ્ચ ટી20 ઈન્ટરનેશનલનો સ્કોર બનાવ્યો હતો. એ જ વર્ષે માર્ચમાં આ સ્થળે ગિલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આ સ્થળે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, જેમાં તેણે 251 બોલમાં 128 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની નવ ઇનિંગ્સમાં મેદાન પર સરેરાશ લગભગ 80 છે અને ઝિમ્બાબ્વેના હરારે સ્ટેડિયમ પછી અમદાવાદ બીજું સ્થાન છે જ્યાં તેણે ઓછામાં ઓછા 400 રન બનાવ્યા છે.
ક્રિકેટ ફેન્સમાં કોહલી-રોહિતનો ક્રેઝ
મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સમાં દ્વીપક્ષીય શ્રેણીની નિરસ મેચ છતાં ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ગીલ, કોહલી, શ્રેયસ અને રાહુલની ધૂંવાંધાર બેટિંગને પ્રેક્ષકોએ માણી હતી. એક સદી અને બે અડધી સદી દરમિયાન ફેન્સ સિક્સર-બાઉન્ડ્રી પર ઝૂમી ઊઠ્ય હતા. રોહિતના સસ્તામાં આઉટ થતા ફેન્સ જરૂર નિરાશ થયા હતા પરંતુ ગીલ-કોહલી-શ્રેયસ અને રાહુલની તોફાની બેટિંગથી ફેન્સના વસૂલ થયા હતા.

અમદાવાદ જ નહીં રાજ્યભર અને રાજસ્થાનથી પણ ક્રિકેટ ચાહકો આવ્યા
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વિજય બાદ મોદી સ્ટેડિયમ પરની ત્રીજી મેચ માત્ર ઔપચારિક હોવા છતાં સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. રનનો વરસાદ માણવા આવેલા પ્રેક્ષકોમાં માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય શહેરો નવસારી, જુનાગઢ તો ઠીક પણ રાજસ્થાનથી પણ ક્રિકેટના ફેન્સ મેચ માણવા આવ્યા હતા. ક્રિકેટ ફેન્સ સલોની ઝવેરી, સોનલ શાહ, સ્વરા, પરી અને તેમના ફ્રેન્ડસે કહ્યું કે કોહલી અમારો ફેવરીટ છે અને તેને સ્ટેડીયમમાં રમતો જોવો એક લાહવો છે હવે તે અમદાવાદમાં વન ડે રમવા ક્યારે આવે એ કહી શકાય નહીં એટલે આ તક અમે જતી કરવા માંગતા નહતા.તેની રમત જોઇને મજા આવી ગઈ. રાજસ્થાનના ડુંગરપુરના માધુગામડાથી છ ફ્રેન્ડસ ગઇકાલે રાતે નિકળીને આજે સ્ટેડીયમ આવી પહોંચ્યા હતા. શૈલેષ કટારા, કપિલ શર્મા,જીગતરામ બરંડા કહે છે અમે વિરાટને રમતો જોવા આવ્યા હતા પછી તેને આ સ્ટેડિયમમાં ક્યારે જોઇ શકીશું એ કહેવું મુશ્કેલ છે. નવસારીના ઓણસી ગામેથી પાંચ મિત્રો સ્ટેડીયમમાં આવેલા પૈકીના એક જૈનિસ પટેલે કહ્યું કે કોહલીની ફિટનેસ જબરદસ્ત છે અને તેને અમદાવાદના સ્ટેડીયમમા શક્યતઃ છેલ્લીવાર વનડે રમતો જોવા અમે આવ્યા હતા.