ગુજરાત ટાઈટન્સ નવી સિઝનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા સજ્જ છેઃ આશિષ નહેરા
અમદાવાદ
ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)નો 22 માર્ચથી કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ સાથે પ્રારંભ થશે. ગુજરાત ટાઈટન્સ નવી સિઝનમાં ઘરઆંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 માર્ચે પંજાબ કિંગ્સ સામેની મેચ સાથે તેના અભિયાનની શરૂત કરશે ત્યારે ટીમના સુકાની શુભમન ગીલ અને કોચ આશિષ નહેરાએ આ સિઝનમાં વધુ સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એક વખત ટાઈટલ જીત્યા બાદ 2024ની સિઝનમાં પ્લેઓફમાંથી ફેંકાઈ ગયેલી ટીમના સુકાની શુભમન ગીલે ટીમમાં કરાયેલા મહત્વપૂર્ણ ફેરફારોથી ટીમ વધુ મજબૂત બની હોવાનો દાવો કરતા કહ્યું હતું કે ભૂતકાળને ભૂલીને ટીમ વધુ સારી રમત બતાવશે. હોમ ગ્રાઉન્ડ અને હોમ ક્રાઉડનો લાભ મળે એ સ્વભાવિક છે છતાં ટીમ વધુ સારી રણનીતિ સાથે મેદાનમાં ઊતરશે. ગીલે વધુમાં કહ્યું કે બેટર અને કેપ્ટન તરીકેની બેવડી જવાબદારીની તેની રમત પર કોઈ અસર નહીં પડે. તેણે કહ્યું કે બેટિંગ વખતે મારું પુરું ધ્યાન રમત પર જ હોય છે અને ટીમનું નેતૃત્વ કરતી વખતે હું એ બાબત પર જ ફોક્સ કરતો હોઉં છું તેથી નતૃત્વનું કોઈ જ પ્રકારનું દબાણ મારા પર નહીં રહે.
ટીમમાં મોહમ્મદ સિરાઝ અને રબડા જેવા અનેક સારા પેસર્સ હાજરી વચ્ચે ભારતની સ્પિનર્સને અનુકૂળ વિકેટો પર ટીમ પેસર્સ મહત્વ આપશે કે સ્પિનર્સ પર વધુ મદાર રાખશે એ બાબતે ટીમના કોચ આશિષ નહેરાએ કહ્યું કે ભારતમાં સ્પિનર્સને અનુકૂળ પિચ હોવા છતાં પેસર્સ પણ મહત્વપૂર્ણ પુરવાર થયા છે. જોકે છતાં જે-તે મેચ અને વિકેટ જોયા બાદ જ આ બાબતે નિર્ણય લેવાશે. નહેરાએ કહ્યું કે ટીમમાં સતત બદલાવને લઈને દેખાવ પર ખાસ કોઈ અસર થતી નથી. આઈપીએલમાં દરેક ટીમ માટે આ બાબત હવે સામાન્ય બની છે. ટીમમાં ખેલાડીઓની આવન જાવન એ એક સામાન્ય બાબત બની છે ત્યારે આ બાબતની ખાસ કોઈ જ અસર ટીમના દેખાવ પર નહીં પડે.
ટીમના સુકાની શુભમન ગીલે જોશ બટલરને ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મળશે એમ જણાવ્યું હતું જોકે બટલરનો છેલ્લા કેટલાક સમયના દેખાવને જોતા તે ગીલની સાથે ઈનિંગ્સની શરૂઆત કરે એવી પુરી શક્યતા છે. ગીલે આ બાબતે ખાસ કોઈ સ્પષ્ટતા કરી નહતી.
