અમદાવાદના વીર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી શરૂ થયેલી સ્પર્ધાના પહેલા દિવસે ઓમાન, બહેરીન અને થાઇલેન્ડે પણ પોતાના મુકાબલાઓમાં જીત મેળવી
અમદાવાદ
અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલિબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં ભારતે ન્યૂઝીલેન્ડને સીધા ત્રણ સેટમાં હરાવી વિજયી શરૂઆત કરી. 20 જૂનની અન્ય મેચોમાં ઓમાન, બહેરીન અને થાઇલેન્ડે પણ પોતાના મુકાબલાઓમાં જીત મેળવી.
અમદાવાદમાં ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026માં આજે રમાયેલી ચાર રોમાંચક મેચોમાં ભારત, ઓમાન, બહેરીન અને થાઇલેન્ડે જીત નોંધાવી હતી. યજમાન ભારતે પોતાના પ્રથમ પૂલ-એ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે એકતરફી પ્રદર્શન કરીને 3-0થી વિજય મેળવ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં પ્રથમ સેટમાં ન્યૂઝીલેન્ડે જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ભારતે 25-23થી સેટ જીતીને શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ વધુ આત્મવિશ્વાસ સાથે રમત રજૂ કરતાં બીજા સેટમાં 25-19 અને ત્રીજા સેટમાં 25-14થી જીત મેળવી સીધા ત્રણ સેટમાં મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે.
અગાઉ દિવસ દરમિયાન રમાયેલી સ્પર્ધાની પહેલી મેચમાં પૂલ-બીમાં કતાર અને ઓમાન વચ્ચે જબરદસ્ત સંઘર્ષ જોવા મળ્યો હતો. કતારે પ્રથમ બે સેટ 25-19 અને 25-21થી જીતીને 2-0ની લીડ મેળવી હતી. જોકે, ઓમાને શાનદાર વાપસી કરતાં ત્રીજો સેટ 27-25 અને ચોથો સેટ 25-22થી જીતી લીધો હતો. નિર્ણાયક પાંચમા સેટમાં પણ ઓમાને 15-13થી જીત મેળવી 3-2થી મેચ પોતાના નામે કરી હતી.
પૂલ-એની એક મેચમાં બહેરીને ચાઇનીઝ તાઇપેઈને 3-1થી હરાવ્યું હતું. ચાઇનીઝ તાઇપેઈએ પ્રથમ સેટ 25-22થી જીત્યો હતો, પરંતુ ત્યારબાદ બહેરીને સતત ત્રણ સેટ 25-23, 25-22 અને 25-20થી જીતી મેચમાં શાનદાર કમબેક નોંધાવ્યો હતો.
અન્ય મેચમાં કોરિયા અને થાઇલેન્ડ વચ્ચે પાંચ સેટ સુધી જંગ જામ્યો હતો. થાઇલેન્ડે પ્રથમ સેટ 25-17થી જીત્યો હતો, જ્યારે કોરિયાએ બીજા અને ત્રીજા સેટ અનુક્રમે 26-24 અને 25-21થી જીતી લીડ મેળવી હતી. જોકે, થાઇલેન્ડે ચોથો સેટ 25-18થી જીતી મેચ બરાબરી પર લાવી હતી અને નિર્ણાયક પાંચમા સેટમાં 15-7થી વિજય મેળવી 3-2થી મેચ જીતી હતી.
એવીસી મેન્સ કપ 2026ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં હાજર દર્શકોને ઉચ્ચ કક્ષાની અને રોમાંચક વોલીબોલ સ્પર્ધાનો આનંદ માણવા મળ્યો હતો.
