પૂલ-એમાં ભારત ટોચ પર, બહેરીન પણ 6 પોઇન્ટ સાથે દોડમાં
એસવીએન.અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા AVC મેન્સ કપ 2026માં યજમાન ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી હરાવી સતત બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતે પૂલ-એમાં 6 પોઇન્ટ મેળવી ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ભારતીય ટીમે મેચ દરમિયાન સર્વિસ, બ્લોકિંગ અને સ્મેશિંગમાં પ્રભુત્વ જમાવી પ્રતિસ્પર્ધી ટીમને કોઈ તક આપી નહોતી.
ભારતીય ટીમનો એકતરફી દબદબો
ભારત અને કઝાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. પ્રથમ સેટમાં ભારતે 25-16ના સ્કોર સાથે સરળતાથી જીત મેળવી હતી. બીજા સેટમાં કઝાકિસ્તાને થોડો પડકાર ઊભો કર્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ દબાણ વચ્ચે પણ સંયમ જાળવી રાખીને 25-21થી સેટ પોતાના નામે કર્યો હતો. ત્રીજા સેટમાં ભારતે ફરી એકવાર પ્રભુત્વ જમાવતાં 25-15થી વિજય મેળવી મેચ 3-0થી જીતી લીધી હતી.
પોઇન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને
આ જીત સાથે ભારતે બે મેચમાંથી બે જીત મેળવી કુલ 6 પોઇન્ટ મેળવ્યા છે. ભારતનો સેટ રેશિયો અને પોઇન્ટ રેશિયો પણ તમામ ટીમોમાં શ્રેષ્ઠ રહ્યો છે. પૂલ-એમાં બહેરીન પણ 6 પોઇન્ટ ધરાવે છે, પરંતુ વધુ સારા રેશિયોના આધારે ભારત પ્રથમ સ્થાને છે. ચાઇનીઝ તાઇપેઈ ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાન અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.
ચાઇનીઝ તાઇપેઈએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
પૂલ-એની અન્ય મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેઈએ ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી મહત્વપૂર્ણ જીત મેળવી હતી. ચાઇનીઝ તાઇપેઈએ પ્રથમ બે સેટ 25-23 અને 25-22થી જીત્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ત્રીજો સેટ 25-23થી જીતી વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોથા સેટમાં ચાઇનીઝ તાઇપેઈએ 25-19થી જીત મેળવી મેચ પોતાના નામે કરી લીધી હતી. વેન વાય.કે. 23 પોઇન્ટ સાથે મેચના સર્વોચ્ચ સ્કોરર રહ્યા હતા.
બહેરીનની ન્યૂઝીલેન્ડ સામે સરળ જીત
દિવસની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડ સામે 3-0થી વિજય મેળવ્યો હતો. બહેરીને 25-19, 25-21 અને 25-16ના સ્કોર સાથે ત્રણેય સેટ જીતીને પૂલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. બંને ટીમોના ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હતો, પરંતુ બહેરીનની ટીમ દરેક વિભાગમાં વધુ અસરકારક સાબિત થઈ હતી.
પૂલ-બીમાં કતાર અને કોરિયાનો વિજય
પૂલ-બીમાં કતારે થાઇલેન્ડને 3-0થી હરાવી મહત્વપૂર્ણ ચાર પોઇન્ટ મેળવ્યા હતા. પ્રથમ બે સેટમાં થાઇલેન્ડે જોરદાર ટક્કર આપી હતી, છતાં કતારે બંને સેટ 25-23થી જીત્યા હતા. ત્રીજો સેટ 25-17થી જીતી કતારે મેચ પોતાના નામે કરી હતી. બીજી તરફ દક્ષિણ કોરિયાએ ઇન્ડોનેશિયાને 25-22, 25-22 અને 25-21થી હરાવી 3-0ની જીત નોંધાવી હતી. આ પરિણામ બાદ કતાર અને કોરિયા પૂલ-બીમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે.
આગામી મુકાબલાઓ પર નજર
ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં જ અનેક રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. ભારતની સતત બે જીતને કારણે અમદાવાદના વોલીબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી મેચોમાં પણ યજમાન ટીમ પાસેથી આવી જ શાનદાર રમતની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
