નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ ખાતે બે દિવસીય સ્પર્ધા શરૂ; શહેરના અગ્રણી ખેલાડીઓ મેદાનમાં
અમદાવાદ
અમદાવાદમાં ટેબલ ટેનિસ પ્રત્યે વધતા ઉત્સાહ વચ્ચે બીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો આજે સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ, નવરંગપુરા ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 21 જૂન સુધી ચાલનારી આ બે દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને કેટેગરીના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
14 કેટેગરીમાં 294 એન્ટ્રીઓ
એન્થોની ગોમ્સ ટેબલ ટેનિસ એકેડમી દ્વારા, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદના ઉપક્રમે આયોજિત આ ટુર્નામેન્ટમાં 14 વિવિધ કેટેગરીઓમાં કુલ 294 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે. આ સંખ્યા શહેરમાં ટેબલ ટેનિસ રમત પ્રત્યે સતત વધી રહેલા રસ અને ખેલાડીઓની ભાગીદારીનું પ્રતિબિંબ દર્શાવે છે.
વેટરન્સ કેટેગરીનો સમાવેશ નહીં
આગાઉ યોજાયેલી જિલ્લા રેન્કિંગ ટુર્નામેન્ટની સરખામણીએ આ વખતે વેટરન્સ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમ છતાં જુનિયર અને સિનિયર વર્ગની સ્પર્ધાઓમાં ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
12 ટેકનિકલ અધિકારીઓની દેખરેખ
ટુર્નામેન્ટનું સંચાલન 12 ટેકનિકલ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. સ્પર્ધાની દરેક મેચનું આયોજન નિયમિત અને પારદર્શક રીતે થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર તમામ મેચો આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નિયમો હેઠળ રમાડવામાં આવી રહી છે.
અગ્રણી ખેલાડીઓ વચ્ચે જંગ
સ્પર્ધામાં અમદાવાદના અનેક જાણીતા અને પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં ધૈર્ય પરમાર, સોહમ ભટ્ટાચાર્ય, કૌશર ભૈરાપુરે, ખાનક શાહ, ફિઝા પવાર, હિમાંશ દહિયા, માલવ પંચાલ અને દ્વિજ ભાલોડિયાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓની હાજરીને કારણે ટુર્નામેન્ટમાં ઉચ્ચ કક્ષાની સ્પર્ધા જોવા મળશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે મહત્વપૂર્ણ મંચ
આ જિલ્લા રેન્કિંગ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે માત્ર રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવાનો જ નહીં, પરંતુ આગામી રાજ્ય અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધાઓ માટે મેચ પ્રેક્ટિસ મેળવવાનો પણ મહત્વપૂર્ણ અવસર બની રહી છે. રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપતી આવી સ્પર્ધાઓ અમદાવાદના ટેબલ ટેનિસના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
