2 એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસડે
- 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોને ઓટીઝમ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,00,000 સુધી મદદ કરાશે
- વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમ પીડીત હોય છે
અમદાવાદ
તા. 2 એપ્રિલને વિશ્વભરમાં વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો રહ્યો છે અને વિશ્વભરનાં ડોકટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોમાં અમદાવાદ-ગુજરાતનાં ડોકટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે.
વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી આપતાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશ્યાલિટી હોમિયોપેથી ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, જીનેટીક સાયન્સમાં ઓટીઝમ વિશેના રિસર્ચો તેની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે, આ રિસર્ચથી સારવારની પધ્ધતિમાં સરળતા આવતાં સમયસર સુધારો અને સચોટ સારવાર શક્ય બની છે.
આ અંગે વધુમાં માહિતી આપતાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશ્યાલિટી હોમિયોપેથી ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓટીઝમની સારવાર અંગે જાગૃતતા લાવવી અતિ આવશ્યક છે. જેથી વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડેની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટીઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરીયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,૦૦,૦૦૦ સુધીની મદદ ડોકટરો દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથીક, હોમીયોપેથીક આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટીબધ્ધ છે.
પીડિયાટ્રીક ન્યુરોલોજીસ્ટ ડો. હર્ષ પટેલે જણાવ્યું હતું કે જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેની પહેલાં કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો 90 ટકા જેટલા હોય છે. 10 ટકા બાળકો દુનિયાભરની કોઈપણ સારવારથી સારા થતા નથી તેમાં ઓટીઝમની સાથે બાળક મેટાબોલીક ન્યુરોપેથી (Metabolic Neuropathy) અથવા માઈટોકોન્ટ્રીલ ન્યુરોપેથી (Mitochondrial Neuropathy) નામની બિમારીથી પિડીત હોય છે.
વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે શિશુ ચાઇલ્ડ ડેવલપમેન્ટનાં ડો દિપીકા જૈન અને સીજીસી ડો. લક્ષિતા ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીતા હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે, કારણકે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત, ડાયાબીટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડીતા બાળકોની સંખ્યા વધારે છે.
