હરિયાણામાં દેશી રમતમાં પણ ખેલાડીને પરિવારનું સંપૂર્ણ સમર્થન મળી રહે છેઃ રાકેશ સુંગરોયા

Spread the love

પ્રો કબડ્ડી લીગની આગામી સિઝન માટે કમર કસતી અદાણી ગુજરાત જાયન્ટ્સ

અમદાવાદ

પ્રો કબડ્ડી લીગની નવી સિઝન શરૂ થવાની છે ત્યારે તેમાં ભાગ લેનારી તમામ ટીમોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અદાણી ગુજરાત જાયન્ટ્સે પણ ટાઈટલ જીતવા કમર કસી લીધી છે. ટીમ નવા કોચ અને કેટલાક નવા ખેલાડી સાથે વધુ મજબૂતીથી આ વખત મેદાનમાં ઉતરવા સજ્જ છે. ટીમની તૈયારીઓ વચ્ચે ટીમના નવા કોચ જયવિર શર્મા, ખેલાડીઓ રાકેશ સુંગરોયા (રેઈડર) અને હિમાંશુ (રેઈડર)એ આજે લીગની આગામી સિઝન માટેની ટીમની તૈયારી અંગે વાત કરી હતી.

ગુજરાતના ખેલાડી ટીમમાં ફીટ નથી બેસતાઃ જયવિર શર્મા

ગુજરાતની ટીમમાં ગુજરાતનો એક પણ ખેલાડી ન હોવા અંગે ટીમના નવા કોચ અને ત્રણ દાયકાથી વધુ કોચિંગનો અનુભવ ધરાવતા ટીમના નવા હેડ કોચ જયવિર શર્માએ કહ્યું કે હું સ્પોટર્સ ઓથોરિટી સાથે પણ દાયકાઓથી સંકળાયેલો છું અને ગુજરાતના ખેલાડીઓને પણ તૈયાર કરીને રાષ્ટ્રીય સ્પર્ધા સુધી પહોંચાડી ચુક્યો છું. જોકે જ્યારે ગુજરાતના ખેલાડીઓને લીગ માટે ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ખરીદવાની વાત આવે ત્યારે અહીંના ખેલાડીઓ ટીમ માટે ફીટ બેસતા નથી. પ્રતિભા હોવા છતાં તેઓ ટીમમાં સ્થાન મેળવી શકતા નથી. ફ્રેન્ચાઈઝી સાથે ગુજરાતનું નામ જોડાયેલું હોઈ અમે દરેક વખતે ગુજરાતના ખેલાડીઓ પર નજર દોડાવીએ છીએ પરંતુ કોઈકને કોઈક કારણે તેઓને ટીમ સાથે જોડી શકતા નથી. આ ખેલાડીઓ અન્ય ખેલાડીઓની સરખામણીએ ઊણાં ઊતરે છે. આગામી સિઝનમાં ટાઈટલ જીતવા માટે ટીમે કેવી તૈયારી કરી છે એ અંગે શર્માજીએ જણાવ્યું કે તમામ 12 ટીમોએ આગામી સિઝનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત જાયન્ટ્સે પણ પુરજોશમાં ફિટનેસથી લઈને તમામ પ્રકારની ટ્રેનિગ શરૂ કરી દીધી છે. હવે પછી તમામ ખેલાડીઓ બેંગલોર ખાતે સઘન તાલીમ માટે ભેગા થશે. માત્ર ઈરાનના ખેલાડીઓ ટીમ સાથે ક્યારે જોડાશે એ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. અમે આ સિઝનમાં ટ્રોફી જીતવા તમામ તાકાત લગાવી દઈશું.

હરિયાણામાં ખેલાડીને પરિવારનું સંપૂર્ણ સમર્થન મળી રહે છેઃ રાકેશ

ટીમના રેઈડર રાકેશ સુંગરોયાએ આગામી સિઝનમાં ટીમને ટ્રોફી અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ટીમ ટ્રોફી જીતવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે અમે તમામ શારીરિક-માનસિક અને ટેક્નિકલ તૈયારીઓ કરી રહ્યા છીએ. દેશી રમતો કબડ્ડી-ખોખો હોય કે પછી બોક્સિગ અને કુશ્તી- ખેલાડીઓની વાત કરાય તો તેમાં હરિયાણાના ખેલાડીઓનો દબદબો જોવા મળતો હોય છે. પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કબડ્ડીને લઈને પણ સારો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને અહીંના ખેલાડીઓએ ફણ આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું હોવા છતાં પ્રો કબડ્ડી લીગમાં ગુજરાતના ખેલાડીઓ કેમ પાછા પડે છે એ બાબતે રાકેશે કહ્યું કે હરિયાણામાં કોઈ પણ રમત હોય ખાસ કરીને કબડ્ડી, ખો-ખો કે પછી કુશ્તી દરેકમાં રસ ધરાવતા બાળકને તેના પરિવાર તરફથી રમતમાં આગળ વધવા માટેનું માત્ર પ્રોત્સાહન જ નહીં તમામ સવલતો પણ મળી રહેતી હોય છે. ખાસ કરીને ખેલાડીને જરૂરી ખાન-પાનનું ખાસ ધ્યાન રખાય છે. આના માટે ખેલાડીને મદદ કરવા આખો સમાજ તૈયાર થઈ જતો હોય છે. માની લઈએ કે ખેલાડી માટે દૂધની જરૂર હોય અને એ પરિવાર તેને યોગ્ય પ્રમાણમાં પુરૂં પાડી શકે એમ ન હોય તો પાડોશી જ નહીં આખું ગામ એ બાબતનું ધ્યાન રાખે છે કે પ્રતિભાસંપન ખેલાડીના આગળ વધવામાં દૂધની અછત ન રહેવી જોઈએ. ગુજરાતમાં પરિવાર તરફથી ક્રિકેટ-ટેનિસ જેવી કેટલીક ખાસ રમતો માટે જ પરિવાર તરફથી પ્રોત્સાહન મળતું હોય છે.રાકેશ હરિયાણાના કઠિયાલ જિલ્લાના જીઓંગ ગામનો વતની છે અને તેણે કબડ્ડીને લઈને તેનું શિક્ષણ આઠમા ધોરણથી જ છોડી દીધું છે.

મામાને જોઈને કબડ્ડી રમતો થયોઃ હિમાંશુ

ટીમનો અન્ય એક રેઈડર હિમાંશુ વિરેન્દ્ર સિંહ હરિયાણાના સોનિપતનો છે. ફરી એક વખત ટ્રોફી જીતવા ટીમ સજ્જ હોવાનો દાવો કરતા તેણે કહ્યું કે ફિઝિકલથી લઈને મેન્ટલ ફિટનેસ પર ટીમ ફોક્સ કરી રહી છે. ક્રિકેટ-ટેનિસની સરખામણીએ કબડ્ડીમાં ખેલાડીને ઓછા પૈસા મળે છે એ અંગે તેણે કહ્યું કે ક્રિકેટ સાથે સરખામણી ન કરીએ તો હવે કબડ્ડીના ખેલાડીઓને પણ સારા પૈસા મળે છે. પોતે હાલમાં કોઈ નોકરી નથી કરી રહ્યો. કબડ્ડીની રમતમાં કેવી રીતે આવ્યો એ અંગે રેઈડરે કહ્યું કે મારા મામા મનજિત કબડ્ડીના જાણીતા ખેલાડી હતા અને કબડ્ડી પ્રો લીગની અનેક સિઝનમાં તેઓ હતા. તેમને જોઈને હું કબડ્ડી તરફ વળ્યો. કબડ્ડીમાં કેરિયર બનાવવા ઘર છોડ્યું અને હજુ પણ હું મારા મામાની સાથે જ રહું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *