બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે
નવનિર્મિત બિન–સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે
પ.પૂ.ધીરગુરુદેવના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારા
અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન
સુપર સે ઉપર – વ્યાખ્યાન સંગ્રહ ભાગ:1ની વિમોચન વિધિ

અમદાવાદ
અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન તા.૨૨, જૂન ૨૦૨૫ને રવિવારે યોજાશે. ગુરુદેવના બોપલ ખાતેના ચાર્તુમાસ દરમ્યાન અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા દેશ-વિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોકટરોને શ્રધ્ધાજંલિ અર્પણ કર્યા બાદ પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવે જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે, આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરુ છું કે વિશ્વશાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો. કારણકે મંત્રજાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનું પ્રેરણાબળ છે. તા. ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વભરના લાખો સહભાગીઓ દ્વારા નવકાર મહામંત્રના સુમેળભર્યા જાપ કરવામાં આવ્યા હતાં. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સંબોધનમાં કરવામાં આવી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિશ્વમાં સૌથી વધારે ૪૦ કરોડ જેટલા યુવાનો ભારતમાં છે. તેમને જો યુવા જાગૃતિના કાર્યક્રમોના માધ્યમથી વ્યસન મુક્ત કરવામાં આવે તો તેમની અકલ્પનીય વૈચારિક શક્તિઓના માધ્યમ દ્વારા સશક્ત અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. રાજનગર અમદાવાદમાં અમારુ પ્રથમ ચાતુર્માસ છે, જે દરમિયાન અનેકવિધ માનવસેવા, જીવદયા અને સમાજ ઉપયોગી પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ, કેળવણીલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
બોપલ – આમલી ક્રોસ રોડ ખાતે 970 વારના પ્લોટમાં નિર્માણ પામેલા 6 મંજિલામાં વીણાબેન ભૂપતલાલ ખેતાણી – ધર્મનાથ ઉપાશ્રય, લાભુબેન હિંમતલાલ કપાસી – ધર્મ સંકુલ, ધોળકીયા હસુમતીબેન પોપટલાલ – આયંબિલ ભવન , કુમુદબેન ન્યાલચંદ વોરા – મેડિકલ સેન્ટર તેમજ 2 વિશાળ બેંકવેટ હોલ, 9 Ac રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે સદગત મંત્રી મહેશભાઈ અંબાવી વગેરેની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.
બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારની સેવાઓ જેમ કે, એકસ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ મેડિકલ સેન્ટરનો કોઈપણ દર્દી નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકશે.
કાઠીયાવાડ જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કમિટીના સુંદર સહયોગથી પ્રથમ વર્ષે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ શય્યાદાન મહાદાનના પ્રેરક પૂ.શ્રી ધીરગુરુદેવનું ચાતુર્માસ પ્રાપ્ત થતાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે.
અગોચરને ગોચર બનાવે એનું નામ સંત, શ્રેયને શ્વાસ બનાવે એનું નામ સંત, સમાધિને સહજ બનાવે તેનું નામ સંત, Sight…with Divine Shine ચાતુર્માસમાં પ્રવચનશ્રેણી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ – ધર્મનાથ જૈન સંઘના ઉપક્રમે વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે યોજાશે.