ઇંગ્લેન્ડ પ્રવાસ પર યશસ્વી જયસ્વાલની મુશ્કેલીઃ પહેલી બે ટેસ્ટમાં 55ની સરેરાશ,છેલ્લી ત્રણ મેચમાં 14.6

Spread the love

નવી દિલ્હી

પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવ્યા બાદ 204 રન બનાવ્યા અને બીજા દિવસે તેની પ્રથમ ઈનિંગ્સ માત્ર 224 રનમાં સમેટાઈ ગઈ છે. કરુણ નાયર આ ટેસ્ટમાં અત્યાર સુધી અડધી સદી ફટકારનાર ભારતનો એકમાત્ર ખેલાડી છે. તેણે 57 રન બનાવ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરે 26 રન બનાવ્યા છે. ભારતીય ટીમની બેટિંગ પહેલા દિવસે નબળી રહી હતી. યશસ્વી સતત ત્રીજી ટેસ્ટમાં નિષ્ફળ ગયો. તે બે રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. પહેલી બે ટેસ્ટમાં 55ની સરેરાશથી રન બનાવનાર યશસ્વી છેલ્લી ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો છે અને તેણે ફક્ત 14.6 ની સરેરાશથી રન બનાવ્યા છે.

એજબેસ્ટનમાં ભારતની જીતમાં ઓપનરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, યશસ્વીના વહેલા આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત મળી રહી નથી. યશસ્વીના ફોર્મમાં ઘટાડો થયો છે. યશસ્વીએ લીડ્સ અને એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં 55 ની સરેરાશથી 220 રન બનાવ્યા છે. આમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન, તેણે 101 રન, 4 રન, 87 રન અને 28 રનની ઇનિંગ્સ રમી. ટીમ ઈન્ડિયાને યશસ્વી અને કેએલ રાહુલ તરફથી પણ પ્રથમ બે ટેસ્ટમાં સારી શરૂઆત મળી. લીડ્સની પ્રથમ ઇનિંગ્સમાં, બંનેએ 91 રન અને બીજી ઇનિંગ્સમાં 19 રન બનાવ્યા હતા, જ્યારે એજબેસ્ટનમાં, તેઓએ પ્રથમ ઇનિંગ્સમાં 19 રન અને બીજી ઇનિંગ્સમાં 51 રનની ભાગીદારી કરી હતી. જોકે, આ પછી યશસ્વી લોર્ડ્સ, માન્ચેસ્ટર અને હવે ઓવલમાં પાંચ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. તેણે છેલ્લી ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં 14.6 ની સરેરાશથી 73 રન બનાવ્યા છે. આમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન, તેણે 13 રન, શૂન્ય, 58 રન, શૂન્ય અને બે રન બનાવ્યા છે. ભારતને મજબૂત શરૂઆત મળી નથી.

છેલ્લી ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં, ભારતને 13 રન, પાંચ રન, 94 રન, શૂન્ય અને 10 રનની ઓપનિંગ ભાગીદારી મળી છે. જ્યારે લોર્ડ્સમાં ભારતને બીજી ઇનિંગ્સમાં 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, ત્યારે યશસ્વીએ ખોટો શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો ભારતને ઓવલ ખાતે પાંચમી ટેસ્ટ જીતવી હોય, તો યશસ્વીની બેટિંગ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તે ઝડપી ગતિએ રન બનાવે છે. તેની ટેસ્ટ કારકિર્દી ઉત્તમ રહી છે અને આંકડા આના સાક્ષી છે. યશસ્વીએ અત્યાર સુધી 24 ટેસ્ટના 4૫ ઇનિંગ્સમાં 48.63 ની સરેરાશથી 2091 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. 214 રનની તેની ઇનિંગ્સ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રહી છે.

પહેલા દિવસે ફક્ત 64 ઓવર રમાઈ

ઓવલ ટેસ્ટના પહેલા દિવસે ફક્ત 64 ઓવર રમાઈ હતી. વરસાદને કારણે વિક્ષેપિત થયેલા આ દિવસે ભારતીય ટીમે દિવસની રમતના અંત સુધીમાં છ વિકેટે 204 રન બનાવ્યા હકા. કરુણ નાયર 52 રન અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને અણનમ હતા. બંને વચ્ચે પહેલા દિવસના અંત  સુધી 51 રનની ભાગીદારી થઈ હતી. કરુણની ટેસ્ટ કારકિર્દીનો આ બીજો 50+ સ્કોર છે. અગાઉ, તેણે ડિસેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે 303 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી, આ તેની પહેલી 50+ ઇનિંગ છે.

ભારતની ઇનિંગ

આ પહેલા, યશસ્વી જયસ્વાલ બે રન બનાવીને અને કેએલ રાહુલ 14 રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન શુભમન ગિલ 21 રન બનાવીને રન આઉટ થયો હતો. સાઈ સુદર્શન 38 રન બનાવી શક્યો હતો. રવિન્દ્ર જાડેજા નવ રન બનાવીને અને ધ્રુવ જુરેલ 19 રન બનાવીને આઉટ થયા હતા. વોક્સને ખભામાં ઈજા થઈ હતી અને રમતની વચ્ચે જ દુખાવાને કારણે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *