શ્રાવણમાં વંદે સોમનાથ કાર્યક્રમમાં ગાયન, વાદન અને રોશનીથી શિવઆરાધના

Spread the love

છ સોમવારના 14 જુલાઈથી શરૂ થયેલા કાર્યક્રમની 18 ઓગસ્ટે શ્રાવણના છેલ્લા સોમવારે પૂર્ણાહૂતી

11 ઓગસ્ટે અમદાવાદના અપલ-સોનલ શાહના ગ્રુપના ગરબા-ટિપણી નૃત્યએ આકર્ષણ જમાવ્યું

સોમનાથ

શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ૩ વિશેષ મંચો પર ગાયન, વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને કલાનો અનોખો સમન્વય પ્રગટાવતો “વંદે સોમનાથ” મહોત્સવ ભારતીય અસ્મિતાને ઉજાગર કરતો કાર્યક્રમ બની રહ્યો છે. આ કાર્યક્રમનું છેલ્લું ચરણ 18 ઓગસ્ટ શ્રાવણના છેલ્લા સોમવારે યોજાશે.

ભારતના તીર્થો- મંદિરોના આધ્યાત્મિક-સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો ધ્યેય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં સોમનાથ તીર્થમાં સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનનો અવિરત યજ્ઞ ચાલુ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)ના સહયોગ સાથે આ આયોજન હેઠળ આ મહોત્સવનું ધ્યેય ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે. પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નૃત્ય દ્વારા કલા આરાધના કરતા હતાં. આ દિવ્ય પરંપરાને શિવ તત્વ સાથે ફરી ઉજાગર કરવાનો સંકલ્પ “વંદે સોમનાથ” મહોત્સવ દ્વારા સાકાર થઈ રહ્યો છે.

કાર્યક્રમના પાંચમા ચરણમાં ઓડિસી, કથક અને ગરબાએ રંગ જમાવ્યો

પવિત્ર શ્રાવણના ત્રીજા સોમવારે વંદે સોમનાથ મહોત્સવનું પાંચમું ચરણ સંપન્ન થયું હતું. જેમાં દિલ્હીથી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ડાન્સ દ્વારા શિવ તત્વને અનુરૂપ ઓડિસી નૃત્ય કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. વડોદરાની તત્વ અકાદમીની દ્યુતિ પંડ્યા દ્વારા કથક નૃત્ય અને અમદાવાદના અપલ અને સોનલ શાહના એસ.પી.એ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ દ્વારા પરંપરાગત રાસ અને ટિપ્પણી નૃત્યો રજૂ કરીને શ્રી સોમનાથ મહાદેવની ભક્તિમાં નૃત્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ કલાકારોએ મહાદેવના ચરણોમાં નૃત્યાર્પણ કરી ભક્તિ અને કલાનો અદ્વિતીય સંયોગ રજૂ કર્યો.

18 ઓગસ્ટે મહોત્સવનું છેલ્લું ચરણ

આ મહોત્સવનું છઠ્ઠું અને અંતિમ ચરણ 18 ઓગસ્ટ, 2025ના રોજ શ્રાવણના અંતિમ સોમવારે ભવ્ય રીતે યોજાશે. જેમાં દિલ્હીથી લિપ્સા સતપથિ અને તેમની ટીમ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ, દિલ્હીથી કલામંડલમ વિશ્નુપ્રિયા અને તેમની ટીમ દ્વારા દુર્લભ રીતે જોવા મળતું મોહિનિયાટ્ટમ, વડોદરાની કલ્પ સર્જનિ દ્વારા કથક, અમદાવાદની નૃત્યમ અકાદમી દ્વારા ભરતનાટ્યમ અને કદમ નૃત્ય કેન્દ્ર દ્વારા કથક નૃત્યના અત્યંત કલાત્મક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *