‘વેદાંતદર્શનસંગ્રહ’નું લોકાર્પણ; ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત
નવી દિલ્હી
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ અને તેની સમકાલીન પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તથા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું વિધિવત્ લોકાર્પણ
8 ઑગસ્ટના રોજ વસંતકુંજ, નવી દિલ્હી સ્થિત વેદ–વેદાંત અધ્યયન અને સંશોધન સંસ્થાન (VVSRI) ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉડુપી સ્થિત પેજાવર અધોક્ષજ મઠના પરમ પૂજ્ય શ્રી શ્રી વિશ્વપ્રસન્નતીર્થ સ્વામીજી તથા BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું વિધિવત્ લોકાર્પણ થયું હતું. સમારોહની અધ્યક્ષતા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ કરી હતી.
અક્ષરપુરુષોત્તમ દર્શનને શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં સ્થાન
કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કે અક્ષરપુરુષોત્તમ દર્શન ભારતની વૈદિક દાર્શનિક પરંપરામાં સાતમું વૈદિક દર્શન છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત ‘વેદાંતદર્શનસંગ્રહ’માં અક્ષરપુરુષોત્તમ દર્શનને વેદાંતની મુખ્ય દાર્શનિક પરંપરાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આથી ભારતીય વેદાંતના શાસ્ત્રીય અધ્યયનના વ્યાપક શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં અક્ષરપુરુષોત્તમ દર્શનને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે.
ડૉ. આત્મતૃપ્ત સ્વામીનું વિશિષ્ટ યોગદાન
‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથના લેખનકાર્યમાં ડૉ. આત્મતૃપ્ત સ્વામીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળના પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છે. વેદાંતના વિવિધ દર્શનોના શાસ્ત્રીય અભ્યાસ તથા સંશોધન ક્ષેત્રે તેમના યોગદાનને આ ગ્રંથના નિર્માણમાં વિશેષ મહત્વ મળ્યું છે.
ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ સન્માન
9 ઑગસ્ટના રોજ સાંજે સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે ભારતના પ્રતિષ્ઠિત વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશેષ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો હતો. ઉડુપીના પેજાવર અધોક્ષજ મઠના પરમ પૂજ્ય શ્રી શ્રી વિશ્વપ્રસન્નતીર્થ સ્વામીજીએ પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું.
આ પ્રસંગે વેદાંતવિદ્યા, સંસ્કૃત વાઙ્મય તથા ભારતીય જ્ઞાનપરંપરાના અધ્યયન, સંશોધન અને વૈશ્વિક પ્રસાર માટેના વિશિષ્ટ યોગદાન બદલ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સ્વામીજીએ આ સન્માન પોતાના ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કર્યું હતું.
દેશભરના વિદ્વાનોની ઉપસ્થિતિ
સમારોહમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિ, દિલ્હી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગાધ્યક્ષ પ્રો. ઓમનાથ બીમલીજી સહિત વિવિધ વિશ્વવિદ્યાલયો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્વાનો, વેદાંત નિષ્ણાતો, આચાર્યો તથા સંશોધકોએ સહભાગિતા નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે પૂજ્ય મુનિવત્સલ સ્વામીએ જવાબદારી નિભાવી હતી.
આ સમગ્ર આયોજનથી ભારતીય વેદાંત પરંપરાના વિવિધ દર્શનો વચ્ચે શાસ્ત્રીય સંવાદને પ્રોત્સાહન મળ્યું છે. સાથે જ સંસ્કૃત તથા ભારતીય જ્ઞાનપરંપરાના ઉચ્ચ અધ્યયન, સંશોધન અને વૈશ્વિક પ્રસાર માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ શૈક્ષણિક મંચ તરીકે ઉભરી આવ્યો હતો.
