બનાસકાંઠાએ પાટણને 8-0, અમદાવાદે ભરુચને 17-0 અને કચ્છે ભાવનગરને 11-0થી હરાવ્યું; નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ
વડનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો વડનગરના એસએજી કોમ્પ્લેક્સ ખાતે ધમાકેદાર પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ તબક્કાની મેચો બાદ બનાસકાંઠા, અમદાવાદ, કચ્છ અને સેકન્ડ બેસ્ટ ટીમ તરીકે સુરતે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.
બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છ ગ્રુપમાં ટોચ પર
ગ્રુપ-Aમાં બનાસકાંઠાની ટીમે શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગ્રુપ-Bમાં અમદાવાદની ટીમે પોતાના તમામ મુકાબલામાં દમદાર રમત દાખવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ગ્રુપ-Cમાં કચ્છની ટીમે શાનદાર દેખાવ સાથે ગ્રુપમાં ટોપ કર્યું છે.
સુરતે ગોલ એવરેજથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું
સેકન્ડ બેસ્ટ ટીમ માટે સુરત, વડોદરા અને પાટણના પોઇન્ટ્સ સમાન રહ્યા હતા. જોકે, ગોલ એવરેજમાં સુરતની ટીમ આગળ રહેતા તેને સેકન્ડ બેસ્ટ ટીમ તરીકે સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. સુરતે મહત્વપૂર્ણ તબક્કે શાનદાર પ્રદર્શન કરીને અંતિમ ચાર ટીમોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
અમદાવાદની 17-0થી ધમાકેદાર જીત
આજના મુકાબલામાં અમદાવાદની ટીમે ભરુચ સામે એકતરફી રમત દર્શાવી 17-0થી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત કચ્છે ભાવનગરને 11-0થી, બનાસકાંઠાએ પાટણને 8-0થી, જ્યારે રાજકોટની ટીમે વલસાડને 7-0થી હરાવી શાનદાર જીત નોંધાવી હતી.
આવતીકાલે સેમિફાઇનલમાં જંગ
ટુર્નામેન્ટની સેમિફાઇનલ મેચો આવતીકાલે રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં બનાસકાંઠા અને અમદાવાદની ટીમો આમને-સામને ટકરાશે. જ્યારે બીજી સેમિફાઇનલમાં કચ્છ અને સુરત વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. બંને મેચમાં ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી થવાની સંભાવના છે.
નેશનલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી
આ ટુર્નામેન્ટ માત્ર જિલ્લા કક્ષાની સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે યોગ્ય ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે યુવા મહિલા ફૂટબોલરો માટે પોતાની પ્રતિભા દર્શાવીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની મહત્વપૂર્ણ તક ઊભી થઈ છે.
