ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ફૂટબોલમાં બનાસકાંઠા અને કચ્છ ફાઇનલમાં

Spread the love

સેમી ફાઇનલમાં બનાસકાંઠાએ અમદાવાદને 3-0થી અને કચ્છે સુરતને 3-0થી હરાવ્યું; આવતીકાલે બંને ટીમો વચ્ચે ટાઇટલ માટે મુકાબલો

વડનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ વડનગરના એસએજી કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી સેમી ફાઇનલ મેચોમાં બનાસકાંઠા અને કચ્છની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે આવતીકાલે બનાસકાંઠા અને કચ્છ વચ્ચે ચેમ્પિયન બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થશે.

બનાસકાંઠાએ અમદાવાદને 3-0થી હરાવ્યું

પ્રથમ સેમી ફાઇનલમાં બનાસકાંઠા અને અમદાવાદની ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં બંને ટીમોએ આક્રમક રમત સાથે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ટીમને સફળતા મળી નહોતી. પરિણામે હાફ ટાઇમ સુધી સ્કોર 0-0 રહ્યો હતો.

બીજા હાફમાં બનાસકાંઠાની ટીમે પોતાની રમતનો દબદબો વધાર્યો હતો. મેચની 54મી મિનિટે બનાસકાંઠાને મળેલી કોર્નર કિકના પાસ પર રક્ષાબેન ચૌધરીએ જોરદાર કિક ફટકારીને ગોલ કર્યો હતો અને ટીમને 1-0ની લીડ અપાવી હતી.

લક્ષ્મી અને જાન્વીએ પણ ગોલ નોંધાવ્યા

પ્રથમ ગોલ બાદ બનાસકાંઠાની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. 62મી મિનિટે લક્ષ્મીબેન ચૌધરીએ ગોલ કરીને ટીમની લીડ 2-0 કરી હતી. ત્યારબાદ 71મી મિનિટે જાન્વીબેન મજીરાણાએ વધુ એક ગોલ કરીને બનાસકાંઠાને 3-0ની મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. અંતિમ સીટી વાગી ત્યારે સ્કોર 3-0 રહ્યો અને બનાસકાંઠાએ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.

કચ્છનો સુરત સામે દબદબો

બીજી સેમી ફાઇનલમાં કચ્છ અને સુરતની ટીમો આમને-સામને હતી. મેચની શરૂઆતથી જ કચ્છની ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. કચ્છની નેનાબેન બાંભણીયાએ બે ગોલ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે આરતી બાવળીયાએ એક ગોલ નોંધાવ્યો હતો.

પ્રથમ હાફ પૂર્ણ થતાં કચ્છની ટીમ 3-0થી આગળ હતી. બીજા હાફમાં સુરતની ટીમે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કચ્છની મજબૂત રક્ષણાત્મક રમત સામે તેને સફળતા મળી નહોતી. કચ્છ પણ બીજા હાફમાં ગોલ કરી શક્યું નહોતું. અંતે મેચનો સ્કોર 3-0 રહ્યો અને કચ્છે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આવતીકાલે બનાસકાંઠા-કચ્છ વચ્ચે ફાઇનલ

ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં હવે બનાસકાંઠા અને કચ્છની ટીમો ટકરાશે. બંને ટીમોએ સેમી ફાઇનલમાં 3-0ના સરખા માર્જિનથી જીત મેળવી હોવાથી ફાઇનલ મુકાબલો રોમાંચક બનવાની અપેક્ષા છે. બંને ટીમોની ખેલાડીઓ ટાઇટલ જીતવા માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે.

નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી

ઝાયડસ કપ-2026 માત્ર જિલ્લા સ્તરની સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર પસંદગીકારોની નજર છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આગામી તબક્કામાં ગુજરાતની ટીમના કેમ્પમાં સ્થાન મળવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *