ગાંધીનગર-જામનગરનો મુકાબલો 1-1થી ડ્રો, પંચમહાલે અરવલ્લીને 3-1થી હરાવ્યું; વડોદરાએ અમદાવાદને 1-0થી અને રાજકોટે દેવભૂમિ દ્વારકાને 3-1થી માત આપી
ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થઈ હતી. ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થયેલી ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને હવે લીગ તબક્કામાં ટીમો વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલા રમાઈ રહ્યા છે.
ફાઇનલ રાઉન્ડ માટે જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, છોટાઉદેપુર, અરવલ્લી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમોએ ક્વોલિફાય કર્યું છે. પ્રથમ દિવસે ચાર મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ આક્રમક રમત સાથે જીત માટે જોરદાર પ્રયાસો કર્યા હતા.
પ્રથમ મેચમાં ગાંધીનગર અને જામનગરની ટીમો આમને-સામને હતી. પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ માટે અનેક પ્રયાસો કર્યા છતાં સ્કોર 0-0 રહ્યો હતો. બીજા હાફમાં ગાંધીનગરના ઠાકોર કુલદીપસિંહે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. જોકે જામનગરના સન્ની સ્ટેનીએ વળતો ગોલ કરીને સ્કોર 1-1 કર્યો હતો. અંત સુધી સ્કોરમાં કોઈ ફેરફાર ન થતાં મેચ 1-1થી ડ્રો રહી હતી.
બીજા મુકાબલામાં પંચમહાલે અરવલ્લીની ટીમને 3-1થી પરાજય આપ્યો હતો. પંચમહાલ તરફથી પરમાર રાહુલે હેટ્રિક નોંધાવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અરવલ્લી તરફથી પરમ માનસતાએ એક ગોલ કર્યો હતો.
ત્રીજા મુકાબલામાં વડોદરા અને અમદાવાદ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને ટીમોએ ગોલ માટે સતત પ્રયાસો કર્યા હતા. અંતે વડોદરાના કૌશિક પંચાલે કરેલા એકમાત્ર ગોલના આધારે વડોદરાએ અમદાવાદને 1-0થી હરાવ્યું હતું.
ચોથા મુકાબલામાં રાજકોટ અને દેવભૂમિ દ્વારકા વચ્ચે મેચ રમાઈ હતી. રાજકોટના રિતેશ પંડ્યાએ હાફ ગ્રાઉન્ડ પરથી લગાવેલી જોરદાર કિકથી ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ રાજકોટ તરફથી અમન દલ અને નમ્ર કુમાર ભટ્ટીએ ગોલ નોંધાવ્યા હતા. રાજકોટે અંતે દેવભૂમિ દ્વારકાને 3-1થી હરાવ્યું હતું.
આવતીકાલના મુકાબલા
ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કામાં 24 સપ્ટેમ્બરે ચાર મેચ રમાશે. તેમાં અરવલ્લી સામે ગાંધીનગર, જામનગર સામે પંચમહાલ, આણંદ સામે ભાવનગર અને જૂનાગઢ સામે છોટાઉદેપુર વચ્ચે મુકાબલા યોજાશે.
