ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ, 43,83,520 પુરુષ અને 28,74,367 મહિલા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે
અમદાવાદ
ખેલાડીઓ આગળ વધવાનાં સપનાં જુએ અને સરકાર તેમના સપના સાકાર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તમારે બસ સપનું જોવાનું છે અને તેને પૂરું કરવા માટે સખત મહેનત કરવાની છે. સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તમે ફરિયાદ કર્યા વગર, ટીમ સ્પિરિટ સાથે, એમ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવતા કહ્યું હતું.
આ પ્રસંગે મંત્રીના હસ્તે ખેલ મહાકુંભમાં ઉત્ક઼ૃષ્ટ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરનું લક્ષ્ય રાખવા પ્રેરણા આપતા મંત્રીએ કહ્યું કે, “તમે સૌ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવો છો, એવા માઈન્ડસેટ સાથે જ રમવાની શરૂઆત કરજો. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ આપણું અંતિમ લક્ષ્ય છે. આવનારા સમયમાં જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે, ત્યારે ખેલ મહાકુંભમાંથી તૈયાર થયેલા પ્રતિસ્પર્ધીઓને ઘર આંગણે રમવાની સુવર્ણ તક મળશે.”
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે વર્ષ 20૧0માં ખેલ મહાકુંભની શરૂઆતથી લઈને 2025ના ખેલમહાકુંભની સફરનો ચિતાર રજૂ કરવા સાથે રાજ્યમાં સ્પોટર્સ સંદર્ભે સરકારીની યોજનાઓની માહિતી પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ મંત્ર સાથે યોજાનારા ખેલ મહાકુંભ 2025માં રેકોર્ડ બ્રેક 72,57,887 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં 43,83,520 પુરુષ ખેલાડીઓ અને 28,74,367 મહિલા ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરમાંથી ખેલાડીઓ મેડલ મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, લોકસભાના સાંસદો દિનેશ મકવાણા, હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, કૌશિક જૈન, રાજેન્દ્ર ચાવડા, સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી,સુરતના મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર ઓફ જનરલ સંદીપ સાંગલે, વડોદરાના મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આઈ.આર.વાળા તથા ખેલાડીઓ, કોચિસ,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અન્ય સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
