મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શનઃ આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

ગાંધીનગર
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભેળસેળ કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ખોરાકમાં ભેળસેળ કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આવા ભયંકર પાપ કરનારા લોકો સુધરી જાય નહીંતર આગામી દિવસોમાં તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં આરોગ્ય વિભાગના સિવિલ હોસ્પિટલથી માંડી સી.એસ.સી., પી.એચ.સી. તથા તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
મંત્રીની મુલાકાત સમયે અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડો. રતનકંવર ગઢવીચરણ, આરોગ્ય કમિશનર(શહેર ) હર્ષદ પટેલ સહિત આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
