નવજીવન ટ્રસ્ટ ખાતે 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી સરદાર પરની કલાકૃતીઓનું પ્રદર્શન રેઝોનન્સ –સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય યોજાશે
અમદાવાદ
સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ રહી છે.સરદારની વિદાયના સાત દાયકા બાદ પણ તેમના કાર્યોની હજી પણ ગર્વભેર નોંધ લેવાય છે. જોકે, દેશના આ લોખંડી પુરૂષ અંગે નવી પેઢી માત્ર પુસ્તકો અને કહેલી-સાંભળેલી વાતોથી જ અવગત છે. એવામાં કલાની આંખોથી કેટલાક કલાકારો દ્વારા નવજીવન ટ્રસ્ટના મકાનના સ્થાપના 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ વિષય પરની કલાકૃતીઓનું પ્રદર્શન રેઝોનન્સ –સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આયનું આયોજન આશ્રમ રોડ પરના નવજીવન ટ્રસ્ટમાં 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી બપોરે 12થી રાતના નવ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આ અંગે વાત કરતા નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી કપિલ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર જે સંસ્થાના પ્રમુખ હતા એ નવજીવન ટ્રસ્ટ માટે બેવડા હરખની ક્ષણ છે. ૩1 ઑક્ટોબર 1950ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. નવજીવનના આ ઐતિહાસિક ભવને ગૌરવવંતા 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ પ્રસંગે નવજીવન પરિવાર સાથે જોડાયેલા આર્ટિસ્ટ મિત્રો કળાના માધ્યમથી ભવ્ય ભૂતકાળનું પુણ્યસ્મરણ કરી સરદારને કળાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવશે. આ તમામ કલાકારોમાંથી કોઈએ પણ સરદારને જોયા ન હોય એ સ્વભાવિક છે પરંતુ તેઓએ પુસ્તકોના અધ્યયન અને મહાનુભાવોના સંસ્મરણોને સાંભળી-સમજીને સરદારની નવજીવન સાથેની સમૃતીઓને કલાના માધ્યમથી જીવંત કરી છે. નવજીવન ટ્રસ્ટના આંગણામાં આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલાસાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.
ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કળાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ અપાઈ છે.
આ પ્રદર્શનમાં કુલ 15 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં અવની વરિઆ, ભારવી ત્રિવેદી, દીપ્તિ શુક્લ, ગોપાલ પરમાર, જયેશ શુક્લ, જીગ્ના ગૌદાના, બંસિધર ખત્રી, મહેન્દ્ર મિસ્ત્રી, મિલન દેસાઈ, નિલેશ સુથાર, રાકેશ પટેલ, રોમા પટેલ, રોનક સોપારીવાલા, વેદના વૈશ્ય અને સુમેધ કુમાર કિશનનો સમાવેશ થાય છે.
