અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના ચોથા દિવસની શરૂઆત હોમ ટીમ ગુજરાત પેન્થર્સ અને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ વચ્ચેની મહિલા સિંગલ્સ મેચની શરુઆત ખૂબ જ સ્પર્ધાત્મક રીતે થઈ. ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનું પ્રતિનિધિત્વ કરતી સહજા યમલાપલ્લીનો સામનો ગુજરાત પેન્થર્સની નુરિયા બ્રાન્કાસીયો સામે થયો. લાંબી રેલીઓ અને શક્તિશાળી શોટ્સ ધરાવતી આ મેચમાં, સહજાએ બ્રાન્કાસીયોને 13-12થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી.

સહજાએ મિક્સ ડબલ્સમાં પોતાના લય ચાલી રાખી, જ્યાં તેણે શ્રીરામ બાલાજી સાથે ગુજરાત પેન્થર્સની જોડી નુરિયા બ્રાન્કાસીયો અને અનિરુદ્ધ ચંદ્રશેખર સામે ટફ ફાઈટ આપી. ગ્રાન્ડ સ્લેમર્સેના ખેલાડીઓએ ક્લીન રિટર્નિંગ અને કંટ્રોલ્ડ નેટ પ્લેનું ક્લાસિક પ્રદર્શન કરીને 14-11થી મેચ જીતી લીધી, અને તેમની શરૂઆતની લીડ વધારી.
પુરુષોની સિંગલ્સ મેચમાં થોડો બદલાવ આવ્યો, એલેક્ઝાન્ડર મુલરે ડેન ઇવાન્સ સામે હોમ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. ફ્રેન્ચ ખેલાડીએ કોટ પર શાંત અને સંયમિત પ્રદર્શન કર્યું, જેના કારણે ગુજરાત પેન્થર્સને 14-11થી મેચ જીતવામાં મદદ મળી.
પુરુષોની ડબલ્સ મેચે સૌથી વધુ રોમાંચકતા ઉભી કરી. અનિરુદ્ધ ચંદ્રશેખર અને એલેક્ઝાન્ડર મુલરનો સામનો શ્રીરામ બાલાજી અને ડેન ઇવાન્સ સાથે થયો, બંને જોડીએ ઉત્તમ ટેનિસ રમી. ઝડપી તાલમેલ, સ્ટ્રોંગ નેટ પ્લે અને ફોકસ સાથે બોલ-સ્ટ્રાઇકિંગ ધરાવતી મેચમાં, ગુજરાત પેન્થર્સે 13-12થી જીત મેળવી. બંને ટીમોના 50-50 પોઈન્ટ સાથે, મેચ એકંદરે ડ્રોમાં સમાપ્ત થઈ. TPL સિઝન 7 ની આ પહેલી મેચ છે જે બરોબરી પર સમાપ્ત થઈ.
દિવસની બીજી મેચમાં, ચેન્નાઈ સ્મેશર્સનો સામનો હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ સાથે થયો. મેચની શરૂઆત મહિલા સિંગલ્સમાં થઈ, જ્યાં ઈરિના બારાનો અને કેરોલ મોનેટ આમને સામને હતા. મોનેટે બાકીની મેચની જેમ પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું, અને 15-10 થી જીત મેળવી.
ત્યારબાદ કેરોલ મોનેટે વિષ્ણુ વર્ધન સાથે મિક્સ ડબલ્સમાં ઈરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીનો સામનો કર્યો. આ વખતે મેચ ચેન્નાઈ સ્મેશર્સના પક્ષમાં હતી. ઝડપી ગતિ સાથેની એક રસાકસીભરી મેચમાં, ઈરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીએ 13-12 થી જીત મેળવી.
પુરુષોની સિંગલ્સમાં, ચેન્નાઈ સ્મેશર્સના ડાલિબોર સ્વર્સીનાનો સામનો પેડ્રો માર્ટિનેઝ સાથે થયો. 23 વર્ષીય ચેક ખેલાડીએ ઉર્જાવાન અને શક્તિશાળી પ્રદર્શનથી કોર્ટમાં ચોહકોને આકર્ષિત કર્યા, અને 15-10 થી વિજય મેળવીને સ્મેશર્સને લીડ અપાવી.
પુરુષોની ડબલ્સ મેચમાં રિત્વિક બોલીપલ્લી અને ડાલિબોર સ્વર્સીનાનો સામનો વિષ્ણુ વર્ધન અને પેડ્રો માર્ટિનેઝ સાથે થયો. સ્મેશર્સની આ જોડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને આજના દિવસનું સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરીને 17-8થી વિજય મેળવ્યો. તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ચેન્નાઈ સ્મેશર્સનો એકંદર 55-45થી વિજય થયો.
