ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે
પેરિસ
ફ્રાન્સની રાજધાની પેરિસ પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક કિશોરની હત્યા કરનાર પોલીસકર્મીના બચાવ માટે હવે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે.
ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે. ગયા અઠવાડિયે 17 વર્ષના કિશોરની હત્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં રમખાણો થઈ રહ્યા છે. તોફાનીઓ ઇમારતો અને વાહનોને આગ લગાવી રહ્યા છે અને દુકાનો અને બેંકોને લૂંટી રહ્યા છે.
બીજી તરફ ફ્રાંસમાં ડાબેરી નેતાઓએ ભંડોળ ઉઘરાવવાના અભિયાનની નિંદા કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીના એરિક બોથોરેલે ટ્વિટર પર લખ્યું છે કે, પોલીસ અધિકારીની તરફેણમાં આ રીતે ફાળો ઉઘરાવવાથી રમખાણો વધશે. નાહેલની હત્યા કરનાર પોલીસકર્મી માટે લાખો યુરોનું ભંડોળ ઉઘરાવવુ તે નિંદનીય કૃત્ય છે. સોશિયલિસ્ટ પાર્ટીના વડા ઓલિવિયર ફૌરે જે સાઈટ પર આ ભંડોળ ભેગુ કરાઈ રહ્યુ છે તે સાઈટને આ અભિયાન રોકવા માટે અપીલ કરી છે.
ફ્રાન્સમાં સોમવારે છ દિવસ પછી તોફાનીઓનુ જોર ઘટ્યુ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાત્રે વધુ 157 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોફાનો કરનારા 3880 લોકોની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે.
પોલીસ ફાયરિંગમાં જેનુ મોત થયુ હતુ તે 17 વર્ષનો કિશોર નાહેલ અલ્જેરિયન મૂળનો હતો. એ પછી તેની હત્યાના વિરોધમાં તોફાનો ફાટી નીકળતા 45,000 પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
ફ્રાન્સમાં રાતોરાત 297 વાહનો અને 34 ઈમારતોને સળગાવી દેવામાં આવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે રાત્રે વિશેષ સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. તેઓ મંગળવારે વિરોધ પ્રદર્શનથી પ્રભાવિત 220 શહેરોના મેયર સાથે પણ બેઠક યોજવાના છે.
બીજી તરફ નાહેલની દાદી નાદિયાએ તોફાનીઓને તોડફોડ નહીં કરવા માટે અને હિંસક દેખાવો નહીં કરવા માટે અપીલ કરી છે.