હરમીતે સિંગલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા
ગાંધીધામ
ઓલિમ્પિયન હરમીત દેસાઈ એ પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (પીએસપીબી)નું પ્રતિનિધિત્ત્વ કરતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળની 52મી અખિલ ભારતીય આંતરસંસ્થાકીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ(All India Inter-Institutional Table Tennis Championships)માં ઈન્દોર ખાતે અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમમાં 24 થી 30 ડિસેમ્બર દરમિયાન શાનદાર પ્રદર્શન કરતા 3 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
ઈન્ડિયન ઑડિટ ડિપાર્ટમેન્ટ (IA & AD)નું પ્રતિનિધિત્ત્વ કરી રહેલ 13મી સીડ એસએફઆર સ્નેહિતને હરાવવા 7 ગેમની મેચમાં 14મી સીડ સુરતી ખેલાડી હરમીતે સંયમ જાળવી રાખતા 4-3(11-9, 11-9, 2-11, 8-11, 11-5, 14-16, 11-5) થી જીતી સ્પર્ધામાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ અગાઉ હરમીત દેસાઈ એ સેમિફાઈનલમાં ગુજરાતના જ ખેલાડી તથા બીજી સીડ માનુષ શાહ (આરબીઆઈ)ને 4-2થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
વિજયી અભિયાનને આગળ જાળવી રાખતા હરમીત દેસાઈ એ યશસ્વિની ઘોરપડે (પીએસપીબી) સાથે જોડી બનાવતા મિક્સ્ડ ડબલ્સ કેટેગરીથી વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બીજી સીડ પીએસપીબીની આ જોડીએ દબદબાભેર રેલવેઝ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (આરએસપીબી)ની જોડી સુરેશ રાજ પ્રિયેશ અને સમ્પદા ભિવાંડકરને 3-0થી મહાત આપી હતી.
પુરુષ અને મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ જીતનાર હરમીત પીએસપીબીની પુરુષ ટીમ વતી પણ પુરુષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો અને ગોલ્ડની સંખ્યા 3 પર પહોંચાડી.
રસપ્રદ ઘટના એ છે કે, માત્ર હરમીત જ પોડિયમ ફિનિશ કરનાર એકમાત્ર ગુજરાતી ના રહ્યો. ઈન્દોરમાં પેરિસ ઓલિમ્પિયન અને સુરતી ખેલાડી એવો માનવ ઠક્કર (પીએસપીબી) અને માનુષ શાહ પણ પુરુષ ઈવેન્ટમાં સંયુક્ત બ્રોન્ઝ મેડલ વિજેતા તરીકે પોડિયમ ફિનિશ કરવામાં સફળ રહ્યાં.
