નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કારઃ પહેલી જાન્યુઆરી 2026એ ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર

Spread the love

•          ૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Live ના માધ્યમથી લાખો લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે.

•          ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને આપશે પ્રોત્સાહન

•          વેસ્ટર્ન પાર્ટી કલ્ચર છોડી ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZ ને આહવાન.

•          સહભાગી થનાર તમામ નાગરિકોને મળશે ડિજિટલ સર્ટિફિકેટ.

અમદાવાદ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ ભવ્ય અભિયાન હાથ ધરાયું છે.

ઘરે બેઠા લાખો લોકો જોડાશે: આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Live ના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાશી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.

ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહન: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.

કઈ રીતે જોડાવું? નાગરિકોએ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *