એથ્લેટિક્સ કિડ્સ કપની સિટી ફાઈનલમાં તનિષ્કા જોરે વિજેતા

Spread the love

સ્પર્ધામાં 20 શાળાના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, બાળકોમાં એથ્લેટિક્સ અંગેની સમજ અને રુચિ વધારવાનો પ્રયાસ

અમદાવાદ

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપે તેની બીજી સિઝનની સિટી ફાઈનલમાં એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા વિજેતા બની હતી. સ્પર્ધાનું આયોજન અમદાવાદના નિકોલ ખાતે આવેલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG)ના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પર કરાયું હતું. અમદાવાદમાં ભાગ લેનાર શાળાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, એ-વન ઝેવિયર્સ સ્કૂલ, મહારાજા અગ્રસેન પબ્લિક સ્કૂલ સહિત અન્ય શાળાઓનો સમાવેશ થાય છે. સિટી ફાઈનલમાં 7થી 15 વર્ષની વયના છોકરા અને છોકરીઓએ આ પહેલની મુખ્ય એથ્લેટિક સ્પર્ધાઓ—60 મીટર સ્પ્રિન્ટ, લોંગ જમ્પ અને બોલ થ્રોમાં ભાગ લીધો હતો.

બે મહિના પહેલા કાર્યક્રમ લોન્ચ

માત્ર બે મહિના પહેલા લોન્ચ કરવામાં આવેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાઇલટ પ્રોજેક્ટે પાયાના સ્તરના એથ્લેટિક્સ માટે ઉત્સાહ જગાવ્યો હતો. 20 શાળાઓ અને બે સ્પોર્ટ્સ એકેડમી સાથે શરૂ થયેલી આ પહેલ દ્વારા શાળા સ્તરની સ્પર્ધાઓમાં 5,000થી વધુ બાળકો જોડાયા હતા. જેમાંથી 500 ફાઈનલિસ્ટની પસંદગી સિટી ફાઈનલ માટે કરવામાં આવી હતી.

પાંચ લાખ બાળકો સુધી કાર્યક્રમ પહોંચ્યો

ફાઇનલિસ્ટોએ પ્રોફેશનલ રીતે આયોજન કરાયેલા કાર્યક્રમના માહોલનો અનુભવ કર્યો હતો. બીજી સીઝન સાથે, આ પહેલ ભારતના પાંચ શહેરોમાં 5,00,000થી વધુ બાળકો સુધી પહોંચી હતી, જે સમગ્ર દેશમાં તેના વધતા જતા પ્રભાવ અને મહત્વને દર્શાવતું હતું.

ભારતમાં પ્રતિભાની કમી નથી, યોગ્ય તાલીમ જરૂરીઃ મેથિયાસ શેક

યુબીએસ ઈન્ડિયા સર્વિસ કંપનીના હેડ મેથિયાસ શેકેએ જણાવ્યું હતું કે,ભારતમાં રમત ક્ષેત્રે પ્રતિભાની કોઈ કમી નથી, આ પ્રતિભાને ખિલવવાનો યોગ્ય પ્રયાસ કરવો જરૂરી છે. યોગ્ય દીશામાં તાલીમ કાર્યક્રમ હાથ ધરાય તો ભારતમાં ઓલિમ્પિક મેડલિસ્ટની સંખ્યા ચોક્કસ વધી શકે એમ છે. તેમણે વધુમાં કહ્યું કે,અમે પ્રારંભિક સ્તરે શાળાઓમાં જઈ ત્યાં તમામ બાળકોને ટ્રાયલ્સમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ. તેમાંથી શ્રેષ્ઠ બાળકોને ફાઈનલ માટે આમંત્રિત કરવામાં આવે છે.

ખેલાડીઓના ડેટા તૈયાર કરી મોટી કંપનીઓને અપાય છે

ફાઈનલમાં ખેલાડીઓને વધુ શ્રેષ્ઠ માહોલમાં સ્પર્ધામાં ઉતાર્યા બાદ તમામ ખેલાડીઓનો ડેટા તૈયાર કરાય છે. જે દેશની સૌથી મોટી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની જેમકે- જેએસડબ્લ્યૂ, રિલાયન્સ ફાઉન્ડેશન સહિતના અમે પ્રોવાઈડ કરીએ છીએ. જેથી ગ્રાસરુટના ખેલાડીઓને આગળ વધવાની તક મળી શકે. આ ઉપરાંત આ પહેલનો મુખ્ય હેતુ 2030 ની કોમનવેલ્થ અને જે 2036ના ઓલિમ્પિકની યજમાનીની દાવેદારી માટે અમદાવાદ ઉત્સાહિત છે તે સમય માટે ખેલાડીઓ એથ્લેટિક્સ માટે તૈયાર હોય. આ ઉપરાંત જો ખેલાડી એથ્લેટિક્સમાં આગળ ના વધે તો તે એક દર્શક તરીકે તો પણ ત્યાં જ હાજર રહેશે. કારણ કે- હાલમાં ભારત પાસે સારા એથ્લેટિક્સ દર્શક નથી. આ જ ખેલાડીઓ ભાવિ એથ્લિટ અને દર્શક બની શકે છે. તેમને ગ્રાસરુટ પણ પ્રોફેશનલ માહોલ મળે એ જરૂરી છે. આ માટે એથ્લેટિક્સ ફેડરેશન્સ પણ વધુ સક્રિય થાય એ જરૂરી છે.

સ્પર્ધાના પરિણામો

પરિણામની વાત કરીએ તો ગર્લ્સ અંડર-14 કેટેગરીમાં તનિષ્કા જોરે (એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા), જાન્વી શર્મા (શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય) અને હિના ઠાકુર (એ-વન ઝેવિયર્સ સ્કૂલ, એનાસન) એ અનુક્રમે પ્રથમ 3 સ્થાન હાંસલ કર્યા હતા. જ્યારે બોય્ઝ અંડર-15માં તીર્થ બુટાણી (SAG), મયુર ઠાકોર (SAG) અને પ્રિન્સ બંઝારા (SAG) એ અનુક્રમે પ્રથમ 3 સ્થાન મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *