સંપૂર્ણ વ્હીલચેર પરના ખેલાડીઓ વચ્ચેની રસપ્રદ સ્પર્ધાને રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓના મંત્રી ડૉ. જયરામ ગામીત ખુલ્લી મૂકશે
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ ખાતે 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન દસમી બોસીયા સિનિયર નેસનલ ચેમ્પિયનશીપ (પુરૂષો-મહિલાઓ) યોજાશે. સ્પર્ધાને 28 જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગે રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓના મંત્રી ડૉ. જયરામ ગામીત ખુલ્લી મૂકશે. સ્પર્ધામાં દેશના 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 150થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
શું છે બોસીયા?
શારીરિક રીતે સંપૂર્ણ વિકલાંગ એટલે કે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો હોય એવા ખેલાડીઓ માટે આ સ્પર્ધા ખાસ યોજાય છે. વ્હીલચેર પરજ બેસીને રમાતી ગેમ માટે સોફ્ટ, હાર્ડ અને મીડિયમ એવા ત્રણ પ્રકારના સફેદ, બ્લૂ અને રેડ એમ ત્રણ રંગના બોલ હોય છે. દરેક ખેલાડીએ સફેદ બોલથી બ્લૂ અને રેડ બોલને ટાર્ગેટ પર પહોંચાડવાના હોય છે અને એના માટે દરેક ખેલાડીને બીસી 4 કેટેગરી માટે છ બોલ થ્રો કરવા મળે છે અને એવા ચાર રાઉન્ડ હોય છે. ટાર્ગેટની સૌથી નજીક પહોંચનારાને વિજેતા જાહેર કરાય છે. ખેલાડીએ 3.5 મિનિટમાં છ બોલ થ્રો કરવાના હોય છે. સમગ્રતઃ ગેમ 45થી 55 મિનિટની હોય છે.
ગુજરાતના 20થી વધુ ખેલાડી
સ્પર્ધા અંગેની માહિતી આપતા બસીયા સ્પોટર્સ ફેડરેશન ઈન્ડિયાના પ્રમુખ જસપ્રિત સિંહ ધાલિવાલે જણાવ્યું હતું કે સ્પર્ધામાં કુલ દેશભરના 150થી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ગુજરાતના 20થી વધુ ખેલાડી એક્શનમાં જોવા મળશે.
બોસીયાની શરૂઆત 1984માં થઈ
બોસીયા ગેમ્સને 1984માં પેરાલિમ્પિક ગેમ્સમાં સામેલ કરાયા બાદ ભારતમાં 2017માં નેશનલ ગેમ્સની શરૂઆત કરાઈ હતી. એ પછી દર વર્ષે યોજાતી સ્પર્ધાની આ દસમી આવૃત્તી છે. પ્રથમ નેશનલ ગેમ્સમાં માંડ 15 ખેલાડીઓ હતા અને હવે આ સંખ્યા 150થી વધુ પર પહોંચી છે.
નવમી ગેમ્સ કરતા ખેલાડીની સંખ્યા 50 ટકા વધી
વિશાખાપટ્ટનમમાં યોજાયેલી નવમી ગેમ્સમાં 101 એથ્લેટ્સે ભાગ લીધો હતો. જ્યારે અમદાવાદમાં 150થી વધુ ખેલાડી ભાગ લેવાના છે. સ્પર્ધામાં સામાન્ય રીતે મહિલા અને પુરૂષોની સંખ્યા સમાન રહેતી હોય છે. નવમી સિઝનમાં બીસી 4 કેટેગરીમાં યુપીનો જતીન કુશવાહ, કર્ણાટકની અન્નપૂર્ણા, બીસી-3 કેટેગરીમાં આસામનો સચિન ચામરિયા, હિમાચલનીઅંજલિ દેવી, બીસી-2 કેટેગરીમાં ગુજરાતનો વ્યોમ ભરતપાવા જ્યારે બીસી-1 કેટેગરીમાં આસામની સંધ્યા ભૂમિ વિજેતા રહ્યા હતા. વળી બીસી-2 કેટેગરીમાં ગુજરાતના પાલનપુરનો ગોવિંદ ચૌધરી વિજેતા રહ્યો હતો.
સ્પર્ધાના વિજેતાને માત્ર મેડલ, પણ રાજ્યો તરફથી રોકડ પુરસ્કાર મળે
સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને એસોસિએશન દ્વારા હાલમાં માત્ર મેડલ અપાતા હોય છે. જોકે, આ ખેલાડીઓ તેમના રાજ્યોમાં અરજી કરીને એક લાખથી લઈને રાજ્ય મુજબ 10 લાખ સુધીના પુરસ્કાર મળવી શકે છે. ગોલ્ડ મેડલ મેળવનારા ખેલાડીઓને આ રોકડ પુરસ્કાર જે-તે રાજ્યો તેમની નીતિઓ જબ આપે છે. આ ઉપરાંત મેડલ જીતનારા ખેલાડીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ સી ગ્રેડની નોકરી મળે છે.
ગુજરાતમાં 2024માં બોસીયા એસોસિએશનની સ્થાપના
મળતી માહિતી મુજબ ગુજરાતમાં 2024માં બોસીયા એસોસિએશનની સ્થાપન કરવામાં આવી છે. જેમાં પેરા સ્પોટર્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિભાઈ આઈ. પરમાર અને ઓગ્રેનાઈઝેશન સેક્રેટરી ચંદુભાઈ ટી. ભાટી બોસીયા એસોસિએશનની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવ
બોસીયા ગેમ્સને અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ કરવા માટે ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કોમનવેલ્થ સમક્ષ સંસ્થાની ઈન્ટરનેશનલ પાંખ દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જસપ્રિતસિંહે જણાવ્યું હતું.
