ટી20 વર્લ્ડ કપઃ માકરામની કેપ્ટન્સ ઈનિંગ્સથી દ.આફ્રિકાનો ન્યૂઝિલેન્ડ સામે 7 વિકેટે આસાન વિજય

Spread the love

અમદાવાદ

સુકાની માકરામના શાનદાર આક્રમક 44 બોલમાં 86 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝિલેન્ડ સામે 7 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. ન્યૂઝિલેન્ડને પ્રથમ બેટિંગમાં ઊતારતાં ટીમે સાત વિકેટના ભોગે 175 રન કરીને દ.આફ્રિકાની ટીમ સમક્ષ 176 રનનો પડકાર મૂક્યો હતો જેની સામે સુકાની માકરમની શાનદાર બેટિંગના જોરે દક્ષિણ આફ્રિકાએ 17.1 ઓવરમાં 3 વિકેટે 178 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ડેવિડ મિલરે વિજયી સિક્સ ફટકારી હતી તેણે 17 બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સની મદદથી 24 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ માકરામે તેની ઈનિંગ્સમાં આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.

176 રનનો પીછો કરવા ઊતરેલી દ.આફ્રિકાની ટીમે શાનદાર શરૂઆત કરી પણ ડીકોક 14 બોલમાં ત્રણ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 20 રને ફર્ગ્યુસનના બોલમાં બોલ્ડ થયો હતો. એ સમયે દ.આફ્રિકાનો સ્કોર 62 રન હતો જ્યારે વિજય તરફ મક્કમતાતી આગળ વધી રહેલી દ. આફ્રિકાની ટીમને નિસામે રિકલ્ટનને મિચેલના હાથમાં ઝિલાવીને આંચકો આપ્યો હતો. રિકલ્ટન 11 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે 21 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલે તેનો શાનદાર કેચ ઝડપ્યો હતો. સુકાની માકરામે એક છેડો જાળવી રાખ્યો હતો. તેની સાથે બ્રેવિસ જોડાયો હતો. દ.આફ્રિકાએ 10 ઓવરમાં બે વિકેટે 119 રન ઝૂડી કાઢ્યા હતા. બ્રેવિસને રચીન રવિન્દ્રએ મિડ ઓન પર મિચેલના હાથમાં 21 રને ઝિલાવી દીધઓ હતો. બ્રેવિસે 17 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.

અગાઉ દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માકરામે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ બેટિંગ કરવા કહ્યું હતું. ટીમ સેઈફર્ટ અને ફીન એલને ઈનિંગ્સની શરૂઆત મક્કમતા સાથે કરી હતી. કીવી ટીમને પ્રથમ આંચકો જેન્શને આપ્યો હતો. તેણે ટીમને વિકેટકીપર ડીકોકના હાથમાં ઝિલાવ્યો હતો. ટીમે નવ બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 13 રન બનાવ્યા હતા. કીવીએ તેના 50 રન 4.5 ઓવરમાં પૂરા કરી લીધા હતા. એલનની સાથે રચીન રવિન્દ્ર જોડાયો હતો. જેન્શને રવીન્દ્રને મિલરના હાથમાં ઝિલાવતાં કીવી ટીમને મોટો ફટકો પડ્યો હતો. રવીન્દ્રએ આઠ બોલમાં એક બાઉન્ડ્રી એક સિક્સર સાથે 13 રન બનાવ્યા હતા. રવીન્દ્રના આઉટ થયા બાદ ગ્લેન્ ફિલિપ્સ એવન સાથે જોડાયો હતો. જેન્શને એલનને માકરામના હાથમાં ઝિલાવ્યો હતો. આ સમયે કીવીનો સ્કોર 58 રન હતો. એલને 17 બોલમાં ચાર બાઉન્ડ્રી બે સિક્સર સાથે 31 રન બનાવ્યા હતા. માર્ક ચેપમેને ફિલિપ્સ સાથે મળીને ટીમની ઈનિંગ્સ આગળ વધારે તે પહેલા કેશવ મહારાજે ફિલિપ્સને બોલ્ડ કરીને કીવીની મુશ્કેલી વધારી હતી. ફિલિપ્સ માત્ર એક રન બનાવી શક્યો હતો. ડેરલે મિચેલે ચેપમેન સાથે મળીને ઈનિંગ્સને સંબાળવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને ખેલાડીએ રનની સરેરાશ જાળવી રાખીને ટીમના સ્કોરને 64 બોલમાં 100 રને પહોંચાડ્યો હતો. બન્ને ખેલાડીએ 30 બોલમાં 50 રનની ભાગીદારી નિભાવી હતી.આ મજબૂત ભાગીદારી પણ જેન્શને ચેપમેનના ઝંઝાવાતને અટકાવીને તોડી હતી. ચેપમેન 26 બોલમાં છ બાઉન્ડ્રી બે સિક્સર સાથે 48 રન બનાવીને રિકેલટોનના હાથમાં ઝિલાઈ ગયો હતો. માત્ર ત્રણ બાદ જ મિચેલ નગીડીના બોલમાં સ્ટબ્સના હાથમાં કેચ આપી બેઠો હતો. મિચેલે 24 બોલમાં બે બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 32 રન બનાવ્યા હતા. કીવીનો સુકાની સેન્ટનર બોસ્ચના બોલે રિક્લટનના હાથમાં ઝિલાઈ ગયો હતો. તેણએ 10 બોલમાં ચાર રન બનાવ્યા હતા. કીવીના રનની ગતિ ખૂબજ ધીમી પડી ગઈ હતી પરંતુ જેમ્સ નિસામે 15 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 23 રન જ્યારે મેટ હેનરીએ આઠ બોલમાં એક બાઉન્ડ્રી સાથે 9 રન બનાવ્યા હતા. બન્ને બેટર અણનમ રહ્યા હતા. દ.આફ્રિકા માટે જેન્શને 40 રનમાં ચાર જ્યારે નગીડી, મહારાજ અને બોસ્ચે એક-એક વિકેટ લીધી હતી. રબાડાને એક પણ વિકેટ મળી નહતી પરંતુ તે સૌથી કિફાયતી રહ્યો હતો તેણે તેના ચાર ઓવરના સ્પેલમાં 27 રન આપ્યા હતા. કીવીની ટીમનો સ્કોર સાત વિકેટે 175 રન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *