ઓપન ગોલ્ફ 2026ના બીજા દિવસે બૃજેશ કુમાર અને ઝેરેડ હેકની સંયુક્ત લિડ

Spread the love

અમદાવાદ

કલ્હાર બ્લૂ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ, અમદાવાદ ખાતે રમાઈ રહેલી DP વર્લ્ડ PGTIની US$300,000 (રૂ. 2.7 કરોડ) ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2026ના બીજા દિવસે બૃજેશ કુમાર અને ઝેરેડ હેક સંયુક્ત રીતે આગળ રહ્યા હતા. બૃજેશ કુમારે ત્રણ અંડર 69 અને અમેરિકાના ઝેરેડ હેકે બે અંડર 70નો સ્કોર કર્યો.

બૃજેશ કુમાર (68-69) અને ઝેરેડ હેક (67-70) બંને કુલ સાત અંડર 137 સ્કોર સાથે લિડમાં રહ્યા. ભારતીય ગોલ્ફર બૃજેશે પાંચ બર્ડી અને બે બોગી સાથે પોતાનું સ્થાન સુધારીને પ્રથમ દિવસના ત્રીજા સ્થાન પરથી બે સ્થાન ઉપર પહોંચ્યો, જ્યારે અમેરિકન ગોલ્ફર ઝેરેડ હેક ચાર બર્ડી અને બે બોગી સાથે ગઈકાલના બીજા સ્થાનથી એક સ્થાન ઉપર ચડીને સંયુક્ત લિડમાં આવ્યા.

ધ્રુવ શેઓરણે સતત બીજી વાર 69નો સ્કોર કરી કુલ છ અંડર 138 સાથે ત્રીજા સ્થાન પર પહોંચ્યો.

ભારતના સપ્તક તલવાર, ફ્રાન્સના ક્લેમેન્ટ સોર્ડેટ અને પિયર પિનેઉ તથા ઓસ્ટ્રિયાના ક્રિસ્ટોફ બ્લાયર ચારેય ખેલાડીઓ પાંચ અંડર 139 સાથે સંયુક્ત ચોથા સ્થાને રહ્યા.

પ્રથમ રાઉન્ડના લીડર રશીદ ખાન બીજા રાઉન્ડમાં 74નો સ્કોર કર્યા પછી કુલ ચાર અંડર 140 સાથે સંયુક્ત આઠમા સ્થાને સરકી ગયા.

કટ ચાર ઓવર 148 પર લાગ્યો અને કુલ 62 પ્રોફેશનલ ગોલ્ફરો કટ પાર કરી શક્યા.

બૃજેશ કુમાર જણાવ્યું: આજે મેં ટી શોટ્સ ખૂબ ચોકસાઈથી માર્યા અને તેથી મોટા ભાગના ફેરવે હિટ કર્યા. ગ્રીન આસપાસની મારી રમત પણ સારી રહી. ગયા સીઝનમાં નેક્સજન જીતવાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે અને હવે લક્ષ્ય DP વર્લ્ડ PGTI પર જીતવાનું છે. મને આ જ લય જાળવી રાખવી પડશે અને સારો અંત લાવવાનો પ્રયત્ન કરવો પડશે.

ઝેરેડ હેક, જે આ સીઝનની પ્રથમ સ્પર્ધાના વિજેતા છે, તેમણે 15 થી 30 ફૂટ વચ્ચેના બે સફળ પટ કર્યા અને ચાર પાર-5 હોલમાંથી બે પર બર્ડી મેળવી. ઝેરેડ હેકે જણાવ્યું:પ્રથમ રાઉન્ડમાં મારી પટિંગ સારી હતી અને આજે મારી ડ્રાઇવિંગ સારી રહી. અમદાવાદનું ગરમ હવામાન લાસ વેગાસ અને ફ્લોરિડા જેવું છે જ્યાં મેં ઘણું ગોલ્ફ રમ્યું છે, તેથી હું આ પરિસ્થિતિઓનો આદી છું. આ ગોલ્ફ કોર્સ ખૂબ જ ઉત્તમ છે અને ભારતમાં મેં રમેલા શ્રેષ્ઠ કોર્સોમાંનો એક છે. હું ખુશ છું કે હું સારા સ્થાન પર છું અને આ અઠવાડિયે ટાઇટલ માટે સ્પર્ધા કરવા આતુર છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *