નર્સિંગમાં દયા, પ્રેમ અને કરુણા સાથે દર્દીઓની સેવા કરવી જરૂરીઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Spread the love

૨૩મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ; નર્સિંગ પ્રોફેશનલ્સને જ્ઞાન અને કૌશલ્યમાં સતત વૃદ્ધિ કરવા આહવાન

અમદાવાદ:

ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા આયોજિત ૨૩મી ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે નર્સિંગ પ્રોફેશનલ્સને દયા, પ્રેમ, કરુણા અને માનવતાના અભિગમ સાથે દર્દીઓની સેવા કરવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની સેવા અને શ્રેષ્ઠ સારવાર માટે પ્રતિબદ્ધતા હશે તો દરેક નર્સની અંદર રહેલી ફ્લોરેન્સ નાઇટિંગેલ જેવી સેવાભાવના બહાર આવશે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GINERA), અમદાવાદ દ્વારા આયોજિત આ એક દિવસીય કૉન્ફરન્સમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં નર્સિંગ પ્રોફેશનલ્સ જોડાયા હતા.

જ્ઞાન અને કૌશલ્યના આદાનપ્રદાન માટે કૉન્ફરન્સ મહત્ત્વપૂર્ણ

ઉદ્ઘાટન સમારંભને સંબોધતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે આવી કૉન્ફરન્સ જ્ઞાન અને કૌશલ્યના આદાનપ્રદાન માટે કુંભ સમાન છે. દરેક વ્યક્તિએ જીવનભર શીખતા રહેવું જોઈએ. પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સતત જ્ઞાન મેળવવું અને નવીન બાબતો શીખવી જરૂરી છે.

તેમણે નર્સિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને પોતાની કાર્યક્ષમતામાં સતત સુધારો કરવા અને દર્દીઓને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.

AI અને રોબોટ કરતાં માનવીય સંવેદના મહત્ત્વપૂર્ણ

મંત્રીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટ્સ માહિતી આપી શકે છે, પરંતુ માનવીની લાગણી, સંવેદના અને કરુણાભાવ સાથે દર્દીની સંભાળ રાખવી તેમના માટે શક્ય નથી. દર્દીને દવા જેટલું જ યોગ્ય વર્તન, પ્રેમ અને હૂંફભરી સારસંભાળની પણ જરૂર હોય છે.

નર્સિંગ વ્યવસાયમાં દર્દીઓ સાથે અસરકારક સંવાદ અને યોગ્ય વર્તનનું વિશેષ મહત્ત્વ છે. દર્દી સાથે સારો વ્યવહાર અને માનવીય અભિગમ સારવારની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના નર્સિંગ પ્રોફેશનલ્સની વૈશ્વિક ઓળખ ઊભી કરવા આહવાન

પ્રફુલ પાનશેરીયાએ ગુજરાતના નર્સિંગ પ્રોફેશનલ્સ દેશ અને વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે તેવા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. દરેક દર્દી પ્રત્યે શુભચિંતન, શ્રેષ્ઠ કાર્ય કરવાની ભાવના અને માનવતાપૂર્ણ અભિગમ અપનાવવામાં આવે તો આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભગવદ્ ગીતાના સંદેશનો ઉલ્લેખ કરતાં તેમણે ફળની આશા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. વ્યક્તિનું પદ કે કામ ગમે તે હોય, પરંતુ રાગ-દ્વેષ અને નકારાત્મકતાથી દૂર રહીને હંમેશાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું જોઈએ. શુદ્ધ અને સાત્ત્વિક ભાવનાથી કરવામાં આવતું કાર્ય શ્રેષ્ઠ પરિણામ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું.

તબીબી અને નર્સિંગ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત

ઉદ્ઘાટન સમારંભમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલકુમાર જે. નાયક, TNAIનાં રાષ્ટ્રીય પ્રમુખ એન્ની કુમાર, સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એમ.એમ. પ્રભાકર, તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. TNAI ગુજરાત સ્ટેટ બ્રાંચના જનરલ સેક્રેટરી ઇકબાલ કડીવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે TNAI ગુજરાત સ્ટેટ બ્રાંચના પ્રમુખ હિતેષ ભટ્ટ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં રજિસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી, GINERAનાં પ્રિન્સિપાલ અને ઓર્ગેનાઇઝિંગ જોઇન્ટ સેક્રેટરી ડૉ. હિરલ શાહ, સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ રોમાંચ ઉપાધ્યાય, ઉપપ્રમુખ ટ્વિંકલ ગોહેલ અને જોઇન્ટ સેક્રેટરી હેમદીપ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કૉન્ફરન્સની થીમ ‘Redefining Clinical Practice: Empowering Nurses Through Innovative Technology’ રાખવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવીન ટેક્નોલોજીના માધ્યમથી નર્સિંગ ક્ષેત્રની ક્લિનિકલ પ્રેક્ટિસને વધુ સક્ષમ બનાવવાનો અને નર્સિંગ પ્રોફેશનલ્સને આધુનિક જ્ઞાન તથા કૌશલ્યથી સજ્જ કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *