એકતા નગરની ઈમારતો પર પીઠોરા આર્ટની રંગત, આદિવાસી સંસ્કૃતિને મળી નવી ઓળખ

Spread the love

૧૨ હજાર વર્ષ જૂની પરંપરાગત ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડતા પદ્મશ્રી પરેશ રાઠવા | વડાપ્રધાનના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પીઠોરા આર્ટનું વિશેષ પેઈન્ટિંગ

ખાસ લેખ: મેહુલ વાંઝવાલા. રાજપીપલા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવતું એકતા નગર આજે માત્ર પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ બની રહ્યું છે. દેશ-વિદેશમાંથી અહીં આવતા પ્રવાસીઓ માટે એકતા નગરની સરકારી ઈમારતો પર કંડારાયેલી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી વિશેષ આકર્ષણ બની છે. આદિવાસી પરંપરાને રંગો અને આકૃતિઓ દ્વારા જીવંત રાખવામાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કલાકાર પરેશભાઈ જયંતિભાઈ રાઠવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

વર્ષ ૨૦૨૦થી પરેશભાઈ રાઠવા એકતા નગરની વિવિધ સરકારી ઈમારતો પર પીઠોરા આર્ટનાં પેઈન્ટિંગ તૈયાર કરીને આદિવાસી સમાજની પ્રાચીન કલા અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના સંદર્ભમાં પણ તેમની કલાને વિશેષ મહત્ત્વ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ માટે તૈયાર કરવામાં આવેલા સર્કિટ હાઉસની ઈમારત પર પરેશભાઈએ વિશેષ પીઠોરા આર્ટ પેઈન્ટિંગ તૈયાર કર્યું છે. આ પેઈન્ટિંગમાં પ્રકૃતિ, માનવજીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

પીઠોરા આર્ટ માત્ર ચિત્રકળા નહીં, પ્રાચીન સંવાદનું માધ્યમ

પીઠોરા આર્ટ વિશે વાત કરતાં પરેશભાઈ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર ચિત્રકળા તરીકે નહીં, પરંતુ એક પ્રકારના પ્રાચીન લખાણ અને સંવાદના માધ્યમ તરીકે જોવામાં આવે છે. રાઠવા સમાજના લોકો આ ચિત્રોમાં રહેલી આકૃતિઓ અને પ્રતીકોના અર્થને સમજી શકે છે. દરેક આકૃતિ પાછળ કોઈને કોઈ સંદેશ, માન્યતા કે જીવન સાથે જોડાયેલો ભાવ રહેલો હોય છે.

તેમના શબ્દોમાં, “આ ચિત્રો દોરવામાં આવતા નથી, પરંતુ લખવામાં આવે છે. પીઠોરા ચિત્રો પ્રાચીન સમયની લિપિ સમાન છે, જે પ્રકૃતિ અને માનવ વચ્ચેના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે.”

પરેશભાઈના જણાવ્યા અનુસાર, પીઠોરા કળાની પરંપરા આશરે ૧૨ હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફાઓમાં પથ્થરો પર આ પ્રકારનાં ચિત્રોના પુરાવા મળ્યાનો તેઓ ઉલ્લેખ કરે છે. આ ચિત્રો પ્રાચીન માનવજીવન, પ્રકૃતિ અને આસપાસની દુનિયા સાથેના તેના સંબંધને સમજવાનું માધ્યમ બની રહ્યાં છે.

૩૨ વર્ષથી પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ

પરેશભાઈ રાઠવા છેલ્લા ૩૨ વર્ષથી પોતાના સમાજની પરંપરા અનુસાર ઘરની ઓસરીમાં બાબા પીઠોરાનાં ચિત્રો લખવાનું કાર્ય કરી રહ્યા છે. પરંપરાગત રીતે દિવાલો પર રચાતી આ કળાને તેમણે કેનવાસ પર પણ ઉતારી છે, જેના પરિણામે પીઠોરા આર્ટને પરંપરાગત માળખાની બહાર વિશાળ પ્રેક્ષકવર્ગ સુધી પહોંચાડવામાં મદદ મળી છે.

તેમની કલા માત્ર રંગો અને આકારોનું સંયોજન નથી, પરંતુ આદિવાસી સમાજની જીવનશૈલી, ધાર્મિક માન્યતાઓ, પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાઓનું પ્રતિબિંબ છે. એકતા નગરની સરકારી ઈમારતો પર આ ચિત્રો દ્વારા આદિવાસી સંસ્કૃતિને સ્થાન મળતાં પ્રવાસીઓને પણ ગુજરાતના આ સમૃદ્ધ વારસાથી પરિચિત થવાની તક મળી રહી છે.

પીઠોરા આર્ટથી આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ઓળખ

પરેશભાઈ રાઠવાના કલા ક્ષેત્રે કરેલા યોગદાનને વિવિધ સ્તરે સન્માન મળ્યું છે. વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટુરિઝમ એવોર્ડ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮માં પણ તેમને રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો હતો.

આ સન્માનો તેમની વ્યક્તિગત સિદ્ધિની સાથે પરંપરાગત આદિવાસી કળાને રાષ્ટ્રીય સ્તરે મળેલી ઓળખનું પણ પ્રતીક છે. પીઠોરા આર્ટને નવી પેઢી સુધી પહોંચાડવા અને તેની વિશિષ્ટતાને વ્યાપક સ્તરે ઉજાગર કરવા માટે તેમનો પ્રયાસ સતત ચાલુ છે.

પીઠોરા આર્ટમાં પ્રકૃતિ અને માનવજીવનનો રંગીન ઈતિહાસ

પીઠોરા ચિત્રોમાં બાબા પીઠોરા દેવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા ઘોડાઓ, સૂર્ય, ચંદ્ર, વાવણી, વરસાદ, પશુપાલન તેમજ દૈનિક જીવનનાં વિવિધ દૃશ્યોને સ્થાન આપવામાં આવે છે. ચિત્રના ઉપરના ભાગમાં દિવસ અને રાતનાં પ્રતીક તરીકે સૂર્ય અને ચંદ્ર દર્શાવવામાં આવે છે, જ્યારે નીચેના ભાગમાં આદિવાસી જીવનની પ્રવૃત્તિઓ અને પ્રકૃતિ સાથેના સંબંધનું નિરૂપણ કરવામાં આવે છે.

આ ચિત્રો આદિવાસી સમાજની માન્યતાઓ, પરંપરાઓ અને જીવનદર્શનને અભિવ્યક્ત કરે છે. તેમાં પ્રકૃતિને જીવનના અભિન્ન અંગ તરીકે જોવાની દૃષ્ટિ સ્પષ્ટપણે જોવા મળે છે. પીઠોરા આર્ટનો દરેક રંગ અને આકાર પરંપરાગત જ્ઞાન તથા સાંસ્કૃતિક વારસાની એક વિશેષ કડી બની રહે છે.

‘વોકલ ફોર લોકલ’ અભિયાનથી પરંપરાગત કળાને નવું પ્રોત્સાહન

સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે પીઠોરા આર્ટને પણ નવી ઓળખ મળી રહી છે. એકતા નગરની ઈમારતો પર આ કળાને સ્થાન આપવાથી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવાની સાથે સ્થાનિક કલાકારોની સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળે છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના માહોલમાં પીઠોરા આર્ટ દ્વારા આદિવાસી વારસાને ઉજાગર કરવાનું આ કાર્ય સાંસ્કૃતિક વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. પરેશભાઈ રાઠવા માને છે કે પરંપરાગત કળાનું સંરક્ષણ માત્ર ભૂતકાળને સાચવવાનો પ્રયાસ નથી, પરંતુ આવનારી પેઢીને પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાથે જોડવાનો માર્ગ પણ છે.

તેઓ અંતમાં કહે છે, “આ કળા અમારું અસ્તિત્વ છે. જ્યાં સુધી આ ચિત્રો દિવાલો પર રચાતાં રહેશે, ત્યાં સુધી અમારી સંસ્કૃતિ જીવંત રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *