આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

Spread the love

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી

‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી

દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન

૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ સુરતવાસીઓમાં આકર્ષણ જમાવ્યું: મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક

સુરત

પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન અડાજણ ખાતે આયોજિત સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ, હનીપાર્ક રોડ સ્થિત જોગાણીનગર પાર્ટી પ્લોટમાં દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ ઉભા કરાયા છે. મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સ છે.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલું ધાન્ય જ જન-જનની શારીરિક અને માનસિક તંદુરસ્તીની જડીબુટ્ટી છે. નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી આશીર્વાદરૂપ છે, સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ મિલેટ્સ ગુણકારી છે.
પ્રફુલ પાનશેરિયાએ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-પ્રદર્શનને ખૂલ્લું મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂતો, એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદમુકેશભાઈ દલાલ, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, મનુ પટેલ, કાંતિ બલર, પૂર્વ મેયર દક્ષેશ માવાણી, શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ, જિ. વિકાસ અધિકારી શિવાની ગોયલ, સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) કે.વી.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, કૃષિ વૈજ્ઞાનિક ડો. બી.કે. દાવડા, નાયબ ખેતી નિયામક(તાલીમ) વી.આઈ. પટેલ સહિત પદાધિકારી-અધિકારીઓ, મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫ ફુડ સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે
. . . . . . . . . . . . . . . . .
સુરત સહિત દ.ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ૩૫ જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનોને વેચાણ માટે પ્રદર્શિત કર્યા છે. મિલેટ્સ ફૂડના ૧૫ સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દુધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેતપેદાશો સુરતીઓને ખરીદવાની તક છે. મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. નાગલીના ઢોકળા અને શીરો, જુવાર-બાજરીના રોટલા, લાલ કડા પેજુ, મિલેટ વડા, નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ, રીંગણ બટાકાનું શાક, કઠોળ, પનેલા, દાળ-ભાત જેવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક ચૂકવા જેવી નથી.
તા.૨૨મી સુધી સવારે ૯.૦૦ થી રાત્રે ૮.૦૦ સુધી ખૂલ્લા રહેનારા આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે. મિલેટ્સ આધારિત રસોઈ, લાઈવ ફૂડસ્ટોલ્સ, ફૂડ પ્રોસેસિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *