અમદાવાદમાં શતરંજનાં જંગમાં દેશનાં 24 રાજ્યોના 1935 ખેલાડીઓ દિમાગનો દમ દેખાડશે

Spread the love

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની બે ચેસ ટુર્નામેન્ટ્સનું આયોજન૦૦વિજેતાઓને અપાશે રૂ.11 લાખના ઇનામો,અમદાવાદના આંગણે આગામી તા.28 અને 29 માર્ચના રોજ શતરંજના ખેલાડીઓનો ભવ્ય મેળાવડો

અમદાવાદ

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

બે દિવસીય સ્પર્ધાના આયોજનમાં સંયોજક ડૉ. મહેન્દ્ર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે તા. 28 માર્ચ 2026 (શનિવાર) ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ અંડર-18 ચેસ ટુર્નામેન્ટ’ યોજાશે. તથા તા.29 માર્ચ 2026 (રવિવાર): ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન થશે. આ સ્પર્ધાને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વિવિધ સહકારી બેંકો જેવી સંસ્થાઓ પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી પ્રતિસાદ સાંપડ્યો છે.

24 રાજ્યોના ઇન્ટરનેશનલ માસ્ટર્સ અને ફિડે માસ્ટર્સ સહિત કુલ 1935 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. અંડર-18 કેટેગરીમાં 967 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે, જેમાં 133 વિજેતાઓને કુલ રૂ. 4 લાખની ઈનામી રાશિ અપાશે. તથા ઓપન રેપિડ કેટેગરીમાં 968 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 115 વિજેતાઓને કુલ રૂ.7 લાખની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે તેમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ તમામ વયજૂથના ખેલાડીઓ માટે વિશેષ વ્યવસ્થા છે. દિવ્યાંગ સ્પર્ધકો તેમજ 50, 60 અને 65 વર્ષથી ઉપરના વરિષ્ઠ ખેલાડીઓ માટે પણ ઇનામો રાખવામાં આવ્યા છે. 7થી 15 વર્ષના બાળકો માટે પણ અલગ વયજૂથના ઇનામો નક્કી કરાયા છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રોત્સાહન રૂપે ઇન્ટરનેશનલ ચેસ કિટ અને ઈ-સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *