વસ્ત્રાલમાં રૂ.51 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

Spread the love

અમદાવાદ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ સિટી:વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે યુવા ખેલાડીઓને મળશે તાલીમની નવી તકો

અમદાવાદ

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ રમતગમતના ક્ષેત્રે પણ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. શહેરમાં રમતગમતના આધુનિક માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાલ ખાતે રૂ.51 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલ પૂર્વ અમદાવાદના રમતપ્રેમી યુવાનોને આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ સાથે તાલીમ મેળવવાની નવી તક આપશે.

એસ.પી. રિંગ રોડ નજીક વસ્ત્રાલ વોર્ડમાં ટી.પી.-114 અને એફ.પી.-155 પ્લોટ પર નિર્મિત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કુલ 44,764 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના જિલ્લાઓમાંથી ખેલાડીઓ સરળતાથી અહીં પહોંચી શકે તેવા વ્યૂહાત્મક સ્થાન પર આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સંકુલમાં ઇન્ડોર તેમજ આઉટડોર બંને પ્રકારની રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આઉટડોર વિભાગમાં 400 મીટરનો એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, ચાર ટેનિસ કોર્ટ અને લોંગ જમ્પ પિટ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. ઇન્ડોર વિભાગમાં બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ માટે આધુનિક કોર્ટ્સ તથા ટેબલ ટેનિસ માટે વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સંકુલમાં 25 મીટર × 20 મીટરનું આધુનિક ફિલ્ટ્રેશન સિસ્ટમ ધરાવતો સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલાડીઓના ફિટનેસ અને રિકવરી માટે સ્ટીમ અને જકુઝી સુવિધા ધરાવતું આધુનિક જિમ્નેશિયમ પણ બનાવવામાં આવ્યું છે.

ખેલાડીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સંકુલમાં 1,964 ચોરસ મીટર વિસ્તારમાં સેન્ટ્રલ એ.સી લાઇબ્રેરી અને કેફેટેરિયા બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 120 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ક્ષમતા છે. ઉપરાંત માર્શલ આર્ટ્સ, બોક્સિંગ, જુડો અને યોગા જેવી પ્રવૃત્તિઓ માટે મલ્ટીપર્પઝ હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

મોટા રમતોત્સવો અને સ્પર્ધાઓના આયોજનને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકો માટે વિશેષ ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેમાં 100થી 170 દર્શકો માટે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે બેઝમેન્ટમાં 91 ટુ-વ્હીલર અને 40 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *