ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 180 રન બનાવ્યા, ગુજરાતે 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડ્યો
અમદાવાદ
સુકાની શુભમન ગીલના શાનદાર 86 રન અને બોલર્સની ચુસ્ત બોલિગની મદદથી ગુજરાત ટાઈટન્સની ટીમે તેના હોમ ગ્રાઉન્ડમાં કોલકાતા સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ સાથે ગુજરાતના પાંચમી મેચમાં આ ત્રીજા વિજય સાથે છ પોઈન્ટ થયા હતા અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ મેચ પહેલા તે છઠ્ઠા સ્થાને હતું. જ્યારે કોલકાતા છ મેચમાં પાંચ હાર અને માત્ર એક પોઈન્ટ સાથે 10મા છેલ્લા સ્થાને યથાવત છે.
181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઈટન્સના ઓપનર્સ સુકાની શુભમન ગીલ અને સાંઈ સુદર્શને જમણેરી-ડાબેરીના કોમ્બિનેશનમાં સારી શરૂઆત કરતા માત્ર પાંચ ઓવરમાં 57 રન ઝૂડી કાઢ્યા હતા જોકે સુનિલ નારાયણે સુદર્શનને 22 રનના વ્.ક્તિગત સ્કોર પર કાર્તિક ત્.ગીના હાથમાં ઝિલાવીને કોલકાતા માટે પહેલી સફળતા મેળવી હતી. સાંઈએ તેની 16 બોલની ઈનિંગ્સમાં એક બાઉન્ડ્રી અને બે સિસર ફટકારી હતી જોશ બટલરે સુકાનીનો સારો સાથ આપ્યો પણ તે ટીમનો વિજય એકદમ સલામત કરે એ પહેલાં 15 બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 25 રન બનાવીને વરુણ ચક્રવતીનો બોલે આઉટ થયો હતો. ગ્રીને મિડઓન પર આસાન કેચ ઝડપ્યો હતો. ગુજરાતે તેની બીજી વિકેટ 95 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. શુભમન ગીલે 27 બોલમાં તેના 50 રન છ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે પુરા કર્યા હતા. યજમાન ટીમે 10મી ઓવરમાં તેના 100 રન પૂરા કર્યા હતા. વોશિંગ્ટન સુંદર 13 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 13 રન બનાવીને વરૂણની બોલિંગમાં ત્યાગીના હાથમાં ઝિલાઈ ગયો હતો. ગુજરાતે તેની ત્રીજી વિકેટ 141 રને ગુમાવી હતી. સુંદરે ગીલ સાથે મળીને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 46 રન ઉમેર્યા હતા. અંતે ગીલ 50 બોલમાં અરોરાના બોલે 86 રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીને આગળ ડાઈવ લગાવીને શાનદાર કેચ ઝડપ્યો હતો. ગીલે આઠ બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી. ફિલિપ્સને રમનદીપે રિંકુ સિહના હાથમાં ઝિલાવીને પેવેલિયન ભેગો કરતા મેચ છેલ્લી ઓવરમાં રોમાંચક બની હતી. તે આઉટ થયો ત્યારે ગુજરાતના 177 રન હતા.
અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના સુકાની અજિંકય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ સેઈફર્ટની સાથે રહાણેએ ઈનિંગ્સની શરૂઆત કરી પણ તે સિરાઝની પહેલી ઓવરમાં જ રબાડાના હાથમાં મિડઓન પર આસાન કેચ આપી બેઠો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો નહતો. સેઈફર્ટની સાથે અગક્રિશ રઘુવંશી જોડાયો હતો. જોકે રઘુવંશી ઈનિંગ્સની આગળ વધારે તે પહેલાં જ રબાડાની બોલિંગમાં વિકેટકીપર જોશ બટલરના હાથમાં ચાર બોલમાં બે બાઉન્ડ્રી સાથે આઠ રન બનાવીને કેચ આપી બેઠો હતો. કોલકતાની ટીમે 21 રનમાં જ બીજી વિકેટ ગુમાવી હતી. રબાડાએ સેઈફર્ટને ફિલિપ્સના હાથમાં ઝિલાવીને કોલકાતાને વધુ એક આંચકો આપ્યો હતો. સેઈફર્ટે 14 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 19 રન બનાવ્યા હતા. કોલકાતાએ તેના 50 રન પોવેલે આઠમી અશોક શર્માની ઓવરના ચોથા બોલે સિક્સર સાથે પૂરા કર્યા હતા. અશોક શર્માએ પોવેલને તેના વ્યક્તિગત 27 રનના સ્કોર પર મિડઓન પર મોહમ્મદ સિરાઝના હાથમાં ઝિલાવ્યો હતો. પોવેલે 20 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી.
કોલકાતાએ તેના 100 રન 73 બોલમાં પૂરા કર્યા હતા. કેમરૂન ગ્રીને તેના 50 રન 34 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે પૂરા કર્યા હતા. ગ્રીન અને એ રોયે પાંચમી વિકેટની ભાગીદારી 17 બોલમાં 50 રન બનાવ્યા હતા જેમાં ગ્રીનના 41 રન હતા. અનુકૂલ રોય (9)ન પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિકેટકીપર બટલરના હાથમાં ઝિલાવીને ગ્રીન સાથેની ભાગીદારી તોડી હતી. એ પછી રબાડાએ રિન્કુ સિંહને પહેલા જ બોલે બટલરના હાથમાં ઝિલાવીને કોલકાતાને વધુ એક આંચકો આપ્યો હતો. જોકે આ દરમિયાન કોલકાતાએ 94 બોલમાં તેના 150 રન પૂરા કર્યા હતા. રમનદીપ ગ્રીનની સાથે મળીને ટીમને સન્માનનીય જુમલા તરફ લઈ જાય એ પહેલાં તે અશઓક શર્ના બોલે સિરાઝના હાથમાં મિડઓન પર આઠ બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે બે બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. સુનિલ નારાયણને સિરાઝે ફિલિપ્સના હાથમાં ખાતુ ખોલાવે એ પહેલાં પેવેલિયનમાં પાછો મોકલી દીધો હતો. ત્યાગી ચાર બોલમાં એક સિક્સર સાથે છ રન બનાવીને રન આઉટ થયો હતો. રશિદ ખાનના છેલ્લા બોલે ગ્રીન 55 બોલમાં સાત બાઉન્ડ્રી અને ચાર સિક્સર સાથે 79 રન બનાવીને વિકેટકીપર બટલરના હાથમાં ઝિલાઈ જતાં કોલકાતાની ઈનિંગ્સ 180 રનમાં સમેટાઈ ગઈ હતી.
