નરોડામાં 100થી વધુ મહિલાઓની મફત કેન્સર તપાસ; 60 કિશોરીઓને HPV રસી અપાઈ

Spread the love

HCG આસ્થા કેન્સર સેન્ટરનો આરોગ્યલક્ષી અભિગમ: મેમોગ્રાફી, પેપ સ્મિયર અને મોઢાના કેન્સર સહિતની તપાસ વિનામૂલ્યે કરાઈ; ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો

અમદાવાદ

મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ વધારવા, સમયસર નિદાન અને કેન્સરનું જોખમ ઘટાડવા માટે જરૂરી નિવારક પગલાંને પ્રોત્સાહન આપવાના હેતુથી HCG આસ્થા કેન્સર સેન્ટરના ડે કેર સેન્ટર, નરોડા દ્વારા મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નરોડા વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીના સહયોગથી રવિવારે યોજાયેલા આ કેમ્પમાં 100થી વધુ મહિલાઓએ કેન્સર સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસનો લાભ લીધો હતો. ઉપરાંત, 9થી 14 વર્ષની આશરે 60 કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે મફત HPV રસી આપવામાં આવી હતી.

કેમ્પમાં મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને મોઢાના કેન્સરની તપાસ સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મિયર ટેસ્ટ, મોઢાના કેન્સરની તપાસ, બ્લડ શુગર ટેસ્ટ તેમજ નિષ્ણાત તબીબો સાથે મફત પરામર્શનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્સરના પ્રારંભિક લક્ષણો, નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર સારવારના મહત્ત્વ અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘વહેલું નિદાન જીવ બચાવે છે’ : ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણી

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે વહેલું નિદાન અનેક મહિલાઓના જીવનને બચાવી શકે છે. ખર્ચ અથવા જાગૃતિના અભાવને કારણે કોઈ પણ મહિલાએ પોતાના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું ન પડે તે જરૂરી છે. નરોડામાં મફત કેન્સર સ્ક્રીનિંગ અને તબીબી માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ તેમણે HCG આસ્થા ડે કેર સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ દરેક મહિલાને નિયમિત તપાસ કરાવવા અને અન્ય મહિલાઓને પણ આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા અપીલ કરી હતી.

સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય તેવા કેન્સરમાંનું એક : HCG

HCG આસ્થા કેન્સર સેન્ટરના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુદર્શન ભામરેએ જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર એવા કેટલાક કેન્સરમાંનું એક છે, જેને સમયસર નિવારક પગલાં દ્વારા અટકાવી શકાય છે અને વહેલું નિદાન થાય તો તેની સફળતાપૂર્વક સારવાર પણ શક્ય છે. કેમ્પના માધ્યમથી તપાસ અને જાગૃતિની સેવાઓ સીધી સ્થાનિક સમુદાય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓ તરફથી મળેલો પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે. ગુણવત્તાયુક્ત કેન્સર સારવાર અને વહેલું નિદાન દરેક માટે સુલભ બને તે માટે સંસ્થા પ્રતિબદ્ધ છે.

કેન્સરના ચેતવણીરૂપ લક્ષણો અંગે પણ માર્ગદર્શન

જાગૃતિ કાર્યક્રમ દરમિયાન સ્તનમાં ગાંઠ, યોનિમાર્ગમાંથી અસામાન્ય રક્તસ્રાવ અથવા સ્રાવ, પેટ કે પીઠમાં સતત દુખાવો, કારણ વિના વજન ઘટવું, મળત્યાગની આદતોમાં ફેરફાર, ગળવામાં તકલીફ, અવાજમાં ફેરફાર, મોઢામાં લાંબા સમય સુધી ન મટતા ચાંદા અને સતત ઉધરસ જેવા લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી.

તબીબોએ સમજાવ્યું હતું કે આ લક્ષણો અન્ય સામાન્ય બીમારીઓને કારણે પણ હોઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી અસામાન્ય ફેરફાર જોવા મળે તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ કેમ્પ દ્વારા મહિલાઓને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા, નિયમિત તપાસ કરાવવા અને કેન્સરના સંભવિત જોખમ સામે જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *