IITEમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી: ‘સંવિધાન પુષ્પાંજલિ’ સાથે વિશેષ પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયાં

Spread the love

કુલપતિ ડૉ. મુકેશ પટેલે સંવિધાનિક મૂલ્યોને શિક્ષણ અને દૈનિક જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો; વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રસ્તાવના પઠન કરી લોકશાહી મૂલ્યો જાળવવાનો સંકલ્પ લીધો

ગાંધીનગર

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખાતે 26 નવેમ્બર, 2026ના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના કુલપતિ, કુલસચિવ, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિવિધ શૈક્ષણિક અને જાગૃતિપ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંવિધાનના ઐતિહાસિક વારસા, લોકશાહી મૂલ્યો અને નાગરિક તરીકેની જવાબદારીઓ અંગે જાગૃતિ કેળવવાનો હતો.

ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કર્યું હતું. આ દરમિયાન સંવિધાનમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોને જીવનમાં ઉતારવા તથા લોકશાહી પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ડૉ. હેમંત મૌર્યએ ભારતીય સંવિધાનની રચનાની ઐતિહાસિક યાત્રા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે બંધારણ સભાની રચના, તેની વિવિધ ચર્ચાઓ અને સંવિધાનના નિર્માણમાં સભ્યોના મહત્ત્વપૂર્ણ યોગદાન વિશે સમજ આપી હતી. સંવિધાનના ઘડવૈયાઓની દૂરંદેશી, લોકશાહી પ્રજાસત્તાકની સ્થાપના પાછળની વિચારધારા તથા દેશના શાસન અને નાગરિક જીવનને દિશા આપતા સંવિધાનિક સિદ્ધાંતો વિશે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.

‘સંવિધાન પુષ્પાંજલિ’ અને વિશેષ પ્રદર્શનનું આયોજન

સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત IITEની સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ દ્વારા વિશેષરૂપે ‘સંવિધાન પુષ્પાંજલિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલપતિ, કુલસચિવ, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભારતીય સંવિધાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ ઉપરાંત ભારતીય સંવિધાનના ઘડતરની ઐતિહાસિક યાત્રા, બંધારણ સભાની કામગીરી અને સંવિધાનના નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવોની ભૂમિકાને ઉજાગર કરતું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. સાથે જ ભારતીય સંવિધાનને લગતાં વિવિધ પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને સંવિધાનના ઇતિહાસ તથા તેના મહત્ત્વ વિશે જાણકારી મેળવવાની તક મળી હતી.

શિક્ષણ દ્વારા જવાબદાર નાગરિકોનું ઘડતર જરૂરી: કુલપતિ

આ પ્રસંગે IITEના માનનીય કુલપતિ ડૉ. મુકેશ પટેલે સંવિધાનમાં સમાવિષ્ટ આદર્શો અને મૂલ્યોને શિક્ષણની પ્રક્રિયા તેમજ દૈનિક જીવનમાં ઉતારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ જવાબદાર, સંવેદનશીલ અને જાગૃત નાગરિકોના ઘડતરનું મહત્ત્વપૂર્ણ સાધન પણ છે.

તેમણે સંવિધાનિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવામાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું.

IITE ખાતે યોજાયેલા આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓને ભારતીય સંવિધાનના ઐતિહાસિક વારસા, તેના ઘડવૈયાઓના યોગદાન તથા લોકશાહી પરંપરાઓ અને નાગરિક ફરજો અંગે જાણકારી મેળવવાની તક મળી હતી. આ ઉજવણીના માધ્યમથી સંવિધાન પ્રત્યે આદર અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *