8મા પગાર પંચથી 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

Spread the love

આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પંચની ટીમ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે

નવી દિલ્હી

દેશના 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પંચની ટીમ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. હાલમાં જ ઉત્તરાખંડના સંગઠનો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ, હવે 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં એક મોટી બેઠક યોજાવાની છે. ત્યારબાદ મે મહિનામાં મહારાષ્ટ્રના વિવિધ સંગઠનો પાસેથી પ્રતિભાવો લેવામાં આવશે.

મૂળ વેતનમાં મોટો ફેરફાર

કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ(એનસી-જેસીએમ) દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે, તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અત્યારે જે લઘુતમ બેઝિક પે ₹18,000 છે, તેને વધારીને ₹69,000 કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે છેલ્લા 12 મહિનાની સરેરાશને આધાર બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

સરકાર અંતિમ નિર્ણય લેશે

નવા પગાર પંચમાં અન્ય એક મોટો ફેરફાર પરિવારના સભ્યોની સંખ્યાને લઈને હોઈ શકે છે. અત્યાર સુધી 3 યુનિટના પરિવારને ધ્યાનમાં રાખીને ભથ્થા નક્કી થતા હતા, પરંતુ હવે 5 યુનિટના પરિવારને આધાર બનાવવાની માંગ ઉઠી છે. પંચ માત્ર બેઝિક સેલેરી જ નહીં, પણ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ(ટીએ), હાઉસ રેન્ટ એલાઉન્સ(એચઆરએ) અને અન્ય સેવા શરતોની પણ સમીક્ષા કરી રહ્યું છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં રચાયેલા આ પંચે 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો છે, ત્યારબાદ જ નવા પગાર ધોરણો લાગુ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *