અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘NELS સ્કિલ લેબ’નું લોકાર્પણ: મેડિકલ શિક્ષણમાં ટેકનોલોજી અને પ્રાયોગિક જ્ઞાનનો અનોખો સમન્વય

Spread the love

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સ્કિલ લેબ ખુલ્લી મુકાઈ

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલ (મેડિસીટી) ખાતે કેન્દ્ર સરકારના અનુદાનથી નિર્મિત અને બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત ‘National Emergency Life Support (NELS) Skill Lab’ નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આધુનિક લેબનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને લાઇવ સિમ્યુલેશન તાલીમ મળશે

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, તબીબી અભ્યાસમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. આ અદ્યતન NELS સ્કિલ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓને માનવ શરીર જેવી જ રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઈવ તાલીમ આપવામાં આવશે.

અકસ્માત કે ગંભીર કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા અને હોસ્પિટલની ટીમે ત્વરિત નિર્ણયો લેવાના હોય છે. શ્વાસનળીમાં ચોક્કસ સ્થાન પર ઓક્સિજન પહોંચાડવો અને ઈમરજન્સી પ્રોટોકોલનું પાલન કરવા જેવી જટિલ બાબતો હવે આ લેબ દ્વારા સરળતાથી શીખી શકાશે. અનુભવી પ્રોફેસરો દ્વારા અપાતી આ ઉચ્ચ સ્તરીય પ્રેક્ટિકલ તાલીમ દર્દીનો અમૂલ્ય જીવ બચાવવામાં અને રાજ્યમાં માતૃ મૃત્યુદર (MMR) તથા બાળ મૃત્યુદરમાં (IMR) નોંધપાત્ર ઘટાડો લાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

દેશભરની ૧૨૦ સ્કિલ લેબ પૈકીની મહત્વપૂર્ણ કડી

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી કુલ ૧૨૦ સ્કિલ લેબ પૈકીની આ લેબ શરૂ થવાથી આરોગ્ય ક્ષેત્રના ડોક્ટર્સ, નર્સીસ અને પેરામેડિકલ સ્ટાફને ખૂબ મોટો લાભ થશે. કટોકટીની પળોમાં દર્દીને સચોટ અને તાત્કાલિક સારવાર તેમજ સીપીઆર (CPR) ટ્રેનિંગના માધ્યમથી અનેક લોકોના પ્રાણ બચાવી શકાશે.

આ લોકાર્પણ પ્રસંગે નાયબ સચિવ વિપુલ વસાવા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી, ડીન ડો. મીનાક્ષીબહેન તેમજ કેમ્પસના સર્વે નિયામકો, અધ્યાપકો, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *