શિવસાગર અને ચરાઈદેવના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય, ભોજન, પીવાનું પાણી, આશ્રય અને પશુધનની સંભાળ માટે રિલાયન્સ પરિવાર મેદાનમાં ઉતર્યો છે
મુંબઈ
ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે તારાજી સર્જી છે, ત્યારે આસામમાં પ્રભાવિત લોકોની મદદે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન, વંતારા (Vantara), રિલાયન્સ રિટેલ અને જિયો સહિત સમગ્ર રિલાયન્સ પરિવાર દ્વારા અપર આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ શિવસાગર અને ચરાઈદેવમાં અંદાજે ૧૦,૦૦૦ પૂરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂરની ગંભીર સ્થિતિ અને વ્યાપક રાહત અભિયાન
ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરે આ ક્ષેત્રમાં ભારે તારાજી સર્જી છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. સરકારી અધિકારીઓ અને સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની આપત્તિ વ્યવસ્થાપન વ્યાવસાયિકોની ટીમ દ્વારા સ્થળ પર જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ રાહત અભિયાન અંતર્ગત પબ્લિક હેલ્થ, પોષણ અને ખાદ્ય પુરવઠો, શુદ્ધ પીવાનું પાણી, ઇમરજન્સી શેલ્ટર કિટ્સ તેમજ પશુધનની સંભાળ અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પબ્લિક હેલ્થ અને પીવાલાયક પાણીની વ્યવસ્થા
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સની સફાઈ અને પુનઃસ્થાપનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિસ્થાપિત અને પ્રભાવિત પરિવારો માટે શુદ્ધ પીવાનું પાણી તેમજ સ્વચ્છતા અને સેનિટેશન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
ભોજન, પોષણ અને ઇમરજન્સી આશ્રય સહાય
જે પરિવારો પાસે અનાજ કે રેશનકાર્ડની સુવિધા નથી, તેમના માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કમ્યુનિટી કિચન (સામુદાયિક રસોડા) શરૂ કરવામાં આવ્યા છે, જેના દ્વારા ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ પરિવારોને પોષણયુક્ત ડ્રાય રેશન કિટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિસ્થાપિત પરિવારો માટે તાલપત્રી, ગ્રાઉન્ડશીટ, મચ્છરદાની, દોરડા અને પથારી જેવી જરૂરી સામગ્રી ધરાવતી ઇમરજન્સી શેલ્ટર કિટ્સ પણ પહોંચાડવામાં આવી રહી છે.
વંતારા દ્વારા પશુધનની વિશેષ સંભાળ
આ રાહત અભિયાનનું એક મુખ્ય આકર્ષણ પશુધનની સુરક્ષા છે. પૂરના કારણે પ્રભાવિત થયેલા પશુઓની દેખભાળ માટે ‘વંતારા’ (Vantara) તરફથી ૩૯ સભ્યોની વિશેષ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે, જે પશુઓની તબીબી સારવાર અને સંભાળ રાખી રહી છે. આ ઉપરાંત, પ્રભાવિત અંદાજે ૪,૦૦૦ પશુઓ માટે પશુઆહારની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રિલાયન્સની આ સરાહનીય પહેલથી પૂરગ્રસ્ત લોકોને મોટી રાહત મળી રહી છે.
