5000થી વધુ નિરાધારોને આશ્રયનું લક્ષ્ય ધરાવતા આશ્રમમાં 700થી વધુની સેવાશ્રુષા થાય છે
અમદાવાદ
રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી ચાલતાં વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃધ્ધાશ્રમમાં 700થી વધુ નિરાધાર વૃદ્ધો આશ્રય લઈ રહ્યા છે અને એ પણ નિઃશુલ્ક. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદર સાથે દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.
5000 વડીલો માટે વ્યવસ્થાનું આયોજન
500 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ કરાશે. વિશ્વનાં સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમનાં નવાં પરિસરમાં નીરાધાર-બીમાર-પથારીવશ વડીલો જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહી શકશે. જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવરમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ છે.
લધુમતીના વડીલોને પણ આશ્રય
સંસ્થાના પરિસરમાં હાલમાં રહેતા 700માંથી કેટલાક લઘુમતી સમાજના લોકો પણ છે. સંસ્થાના પ્રવેશ નિયમો અનુસાર જે વડીલને જીવન નિર્ભાવ માટે કોઈ સ્ત્રોત ન હોય કે જેમની પાસે કોઈ મૂડી-મિલ્કત ન હોય તેવાને જ અહીં પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે અહીં રહેતા વડીલોમાં મોટી સંખ્યા મધ્યમ અને નીચલા વર્ગમાંથી આવનારાઓની જ છે.
રહેવા-જમવા-મેડિકલની તમામ સુવિધા મફત
વૃદ્ધાશ્રમમાં વડીલોને રહેવા-જમવા અને મેડિકલની તમામ સુવિધાઓ મફતમાં પુરી પાડવામાં આવે છે. વડીલોને જીવે ત્યાં સુધી અહીં માત્ર પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ તેમની રુચિ અનુંસારના ફળ, લાયબ્રેરી, ફિલ્મ જોવા લઈ જવા, મોટી હોટલ્સમાં લઈ જવા સહિતની મોજ કારાવાય છે.
વધેલું ભોજન-જૂનાં વસ્ત્રો નથી અપાતા
વૃદ્ધાશ્રમના દરેક વડીલને દાતાઓ પાસેથી દાનમાં મળેલા તેમને ગમે એવા વસ્ત્રો આપવામાં આવે છે. દાતાઓ પાસેથી જૂના વસ્ત્રો પણ અહીં દાનમાં લેવાતા નથી એટલું જ નહીં વધેલું ભોજન પણ આશ્રમ દ્વારા ક્યારેય સ્વિકારવામાં આવતું નથી.
કોમાગ્રસ્ત-કેન્સરગ્રસ્તોની વિનામુલ્યે સારવાર-સેવા
આશ્રમમાં હાલમાં 700માંથી 400થી વધુ વડીલો તો પથારીવશ છે. આ તમામની સેવા-શ્રૃષા આશ્રમના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતી હોય છે. આ વડીલોમાં કેટલાક તો કોમા-કેન્સરગ્રસ્તો પણ છે. સંસ્થા તેમની સારામાં સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા ઉપરાંત આશ્રમમાં પણ સેવા કરાય છે.
90થી વધુ કર્મચારીઓનો સ્ટાફ
આટલી મોટી સંખ્યામાં વડીલોની સેવાશ્રૃષા માટે આશ્રમમાં 90થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. જોકે, 15 ઓગસ્ટ 2015માં માત્ર સાત વડીલો સાથે શરૂ થયેલા આ આશ્રમની તમામ ગતિવિધિઓ દાતાઓના દાનથી જ હાથ ધરવામાં આવે છે.
