અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં પ્રથમ ગુજરાત બાસ્કેટબોલ લીગ યોજાશે

Spread the love

રાજ્યના પુરૂષો-મહિલાઓની આઠ-આઠ ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે, યુવાઓને પ્રતિભા દેખાડવાની તક

અમદાવાદ

અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાત બાસ્કેટ બોલ લીગ યોજાશે. એબીસી બાસ્કેટબોલ ડેવલપમેન્ટ લીગ પ્રાઈવેટ લિમિટેડ અને એસીજી દ્વારા ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના સહકારથી આ સ્પર્ધાનું આયોજન કરાશે.

પુરૂષો-મહિલાઓની આઠ-આઠ ટીમો

સ્પર્ધા અંગે માહિતી આપતા જીએસબીએના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુવકોને પ્રતિભા દર્શાવવાની તક આપતી આ સ્પર્ધામાં રાજ્યના યુવક-યુવતીઓની આઠ-આઠ ટીમો (ફ્રેન્ચાઈઝી) ભાગ લેશે. જેમાં 1-1-2005ની તારીખને ધ્યાનમાં રાખીને 21 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઈ શકશે.

400 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે

સ્પર્ધાની ટેકનિકલ માહિતી આપતા એબીસી-એસીજીના પ્રતિનિધિ અનિરૂદ્ધ પોલેએ જણાવ્યું હતું કે ઓલ-પ્લે-ઓલ ફોર્મેટના આધારે રમાનારી સ્પર્ધા માટે પ્રાથમિક તબક્કે રાજ્યના 400 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આના માટેના સિલેક્શન કેમ્પ અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં યોજાશે. આ ખેલાડીઓમાંથી ફ્રેન્ચાઈઝીઓ તેમની ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરાશે.

વીર સાવરકર કોમ્પલેક્સમાં સ્પર્ધાનું આયોજન

જીએસબીએના માનદ સેક્રેટરી શફીક શેખે જણાવ્યું હતું કે સ્પર્ધા અમદાવાદમાં નવનિર્મિત વીર સાવરકર કોમ્પલેક્સમાં યોજવા માટેના પ્રયાસ ચાલુ છે. સ્પર્ધાની ફ્રેન્ચાઈઝી ટીમોમાં અમદાવાદ, ભાવનગર, બરોડા, ગાંધીનગર, જામનગર, કચ્છ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.

ઓટીટી પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ

સમગ્ર સ્પર્ધાનું રાષ્ટ્રીય ઓટીટી પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવા પણ આયોજકો પ્રયત્નશીલ છે. ઝી અને સોનીના ઓટીટી પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ માટેના પ્રયાસ કરાશે જેમાં અંદાજે 10થી 20 લાખ જેટલા દર્શકો સુધી પહોંચવાનો અંદાજ છે.

ફ્રેન્ચાઈઝી કઈ રીતે બની શકાય-તેમને શું લાભ થશે

આયોજકોના અનુસાર ફ્રેન્ચાઈઝી બનવા માટેની બિડિંગ પ્રાઈઝ પાંચ લાખથી શરૂ થશે. આ બિડિંગની પ્રક્રિયા એક માસમાં પુરી કરવામાં આવશે. ખેલાડીઓની નોંધણી અને ટીમ રચના અંગે પોર્ટલ ટૂંક સમયમાં લોન્ચ થશે.  ટીમ ખરીદનારી ફ્રેન્ચાઈઝીઓને બિઝનેસ નેટવર્કની તક, બ્રાન્ડ કોલોબ્રેશનની તક, સ્પોન્શરશીપમાંથી  કમાણી અને સ્પોટર્સ ઈકોસિસ્ટમ પાર્ટનરશીપનો લાભ મળશે. ટીમ માલિકો પોતાના સ્પોન્સર્સ મેળવી શકશે ઉપરાંત ટીવી-ટિકિટની આવકમાંથી હિસ્સો અને તેની બ્રાન્ડ વેલ્યુનો લાભ પણ તેમને મળશે.

યુવા ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની તક

જીએસબીએના ઉમેશ પાઠકે જણાવ્યું હતું કે આ સ્પર્ધા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાની સારી તક આપશે. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા પસંદગી પામનારા કેટલાક ખેલાડીઓને બેંગલોરમાં હાઈ પરફોર્મન્સ કેમ્પમાં મોકલવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ ઉપરાંત 35 હજાર જેટલું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *