અમદાવાદમાં ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ, 50 લાખના પુરસ્કાર

Spread the love

પહેલી જૂનથી સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે મેગા ઇવેન્ટ, દેશમાં દર વર્ષે આ પ્રકારની ઇવેન્ટ યોજવાનું વિઝનઃ દેવ પટેલ

અમદાવાદ

ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (આઆઇસીએફ)ના નેજા હાઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના ઉપક્રમે પહેલીથી આઠમી જૂન દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 50 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરાશે.

ત્રણ મેગા ઈવેન્ટમાં કુલ 2.41 કરોડનાં ઈનામ
આ સાથે ઇન્ડિયન ચેસ સરકિટમાં સળંગ ત્રણ મેગા ચેસ ઇવેન્ટ યોજાશે જેમાં કુલ મળીને 2.41 કરોડ રૂપિયાના પુરસ્કારો એનાયત કરાશે. 23મી મેથી ભુવનેશ્વરમાં ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલ યોજાશે જેની ઇનામી રકમ 1.31 કરોડ રૂપિયાની છે જ્યારે પહેલી જૂનથી અમદાવાદમાં 50 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટ અને ત્યાર બાદ દસમી જૂનથી મહારાષ્ટ્રમાં 360 વન ગ્લોબલ ચેસ ફેસ્ટિવલ યોજાશે જેમાં 60 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત થશે. આમ ભારતીય ચેસ સરકિટમાં 2.41 કરોડના ઇનામી પુલ સાથે નવો વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત થશે. આ સીમાચિહ્નરૂપ પહેલ ઇનામી રકમની દ્રષ્ટિએ એક જ દેશ દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી ચેસ સરકિટ હોઈ શકે છે.

ભારતમાં દર વર્ષે આ રીતે બે થી ત્રણ મજબૂત ચેસ સરકિટ યોજવાનું વિઝનઃ દેવ પટેલ
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના સેક્રેટરી દેવ પટેલે આ અંગે જણાવ્યું હતું કે “મારું વિઝન ભારતમાં દર વર્ષે આ રીતે બે થી ત્રણ મજબૂત ચેસ સરકિટ યોજવાનું છે, જે ખેલાડીઓને સાતત્ય, સ્થિરતા અને અર્થપૂર્ણ સ્પર્ધાત્મક તકો આપે છે. મને ત્રણ આંતરરાષ્ટ્રીય ઓપન ટુર્નામેન્ટ આટલી જંગી ઇનામી રકમ સાથે સરકિટ તરીકે એક સાથે યોજાતી જોઈને ખૂબ જ આનંદ થાય છે અને તે ખેલાડીઓ માટે એક મહાન પહેલ છે.”

ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે અમૂલ્ય એક્સપોઝર
તેમણે ઉમેર્યું હતું કે આવી સરકિટ માત્ર ટોચની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને આકર્ષિત કરતી નથી પરંતુ ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે અમૂલ્ય એક્સપોઝર, રેટિંગ તકો અને નાણાકીય પ્રોત્સાહનો પણ પ્રદાન કરે છે. ભારતીય ચેસને તેના ઝડપી વિકાસ અને વૈશ્વિક સફળતાને ટકાવી રાખવા માટે આ દિશામાં આગળ વધવાની જરૂર છે.”

વિશ્વકક્ષાના ખેલાડીઓ સામે સ્પર્ધાની તક
આ પહેલ ભારતીય ખેલાડીઓ, ખાસ કરીને ઉભરતી પ્રતિભાઓ માટે, ઘરઆંગણે વિશ્વ કક્ષાના ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની ઉત્તમ તક રજૂ કરે છે. નોંધપાત્ર ઇનામી રકમ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને ઉચ્ચ રેટિંગ તકો સાથે, ભારતીય ચેસ સરકિટ દેશમાં વ્યાવસાયિક ચેસના વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપવા માટે તૈયાર છે.

ત્રણ શ્રેણીઓમાં સ્પર્ધા યોજાશે
અમદાવાદ ખાતેની ઇવેન્ટ રેટિંગ સ્તરના ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ત્રણ શ્રેણીઓમાં યોજાશે. જેમાં ગ્રાન્ડમાસ્ટર્સ ઇવેન્ટ, 2000 અને તેથી વધુ રેટિંગ ધરાવતા ખેલાડીઓ માટે ઓપન એવી પ્રીમિયર કેટેગરીની ટુર્નામેન્ટમાં 25 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. ચેમ્પિયનને ટ્રોફી સાથે ચાર લાખ મળશે જ્યારે રનર્સ-અપને ત્રણ લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત ગ્રાન્ડમાસ્ટર્સ (GM), ઇન્ટરનેશનલ માસ્ટર્સ (IM), વિમેન્સ ગ્રાન્ડમાસ્ટર્સ (WGM), વિમેન્સ ઇન્ટરનેશનલ માસ્ટર્સ (WIM) અને 2300 થી વધુ રેટિંગ ધરાવતા ખેલાડીઓ સહિત ટોચના આંતરરાષ્ટ્રીય ટાઇટલ ધારકોને ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

ટુર્નામેન્ટ 2000થી નીચેના રેટિંગ ધરાવતા ખેલાડીઓ માટે પણ ખુલ્લી
ટુર્નામેન્ટ 2000થી નીચેના રેટિંગ ધરાવતા ખેલાડીઓ માટે પણ ખુલ્લી છે અને તેમાં 15 લાખનો ઇનામ પૂલ છે. વિજેતાને 1.25 લાખનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી મળશે. રેટિંગ વગરના ખેલાડીઓ પણ ભાગ લઇ શકશે. જેમાં 1700થી ઓછા રેટિંગ ધરાવતા ખેલાડી ભાગ લઈ શકશે અને તેમાં દસ લાખ રૂપિયાના પુરસ્કાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *