કોરિયાએ ભારતને 61-90થી હરાવ્યું; અમદાવાદમાં રમાયેલી ચારેય ગ્રુપ મેચોમાં એશિયન ટીમોએ નોંધાવી એકતરફી જીત
અમદાવાદ:
અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા FIBA U18 એશિયા કપ 2026માં 16 ઓગસ્ટે ગ્રુપ તબક્કાની ચાર મેચ રમાઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા સામે 61-90થી 29 પોઈન્ટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ જાપાને કઝાકિસ્તાનને 81-45થી, ઈરાને શ્રીલંકાને 110-42થી અને ચીને કતારને 118 -66થી હરાવી દમદાર પ્રદર્શન કર્યું હતું.
ભારત સામે કોરિયાએ શરૂઆતથી જ પકડ મજબૂત કરી
ભારત અને કોરિયા વચ્ચેની મેચમાં ભારતે શરૂઆતમાં 2-0ની સરસાઈ મેળવી હતી, પરંતુ આ લીડ માત્ર 14 સેકન્ડ સુધી જ રહી. 9:22 મિનિટ બાકી હતી ત્યારે જ્યોનવુ હિયોએ ત્રણ પોઈન્ટનો શોટ ફટકારી કોરિયાને 3-2ની સરસાઈ અપાવી અને ત્યારબાદ કોરિયાએ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું.
પ્રથમ ક્વાર્ટરમાં જ મેચનો વળાંક
પ્રથમ ક્વાર્ટરના 9:36થી 4:44 મિનિટના સમયગાળામાં કોરિયાએ ભારતને 19-7થી પાછળ રાખ્યું. કોરિયાએ આ દરમિયાન 10માંથી 7 શોટ સફળ કર્યા અને 6 રિબાઉન્ડ મેળવ્યા, જ્યારે ભારતની ટીમે 5 ટર્નઓવર કર્યા અને 9માંથી માત્ર 2 શોટ સફળ રહ્યા. આ તબક્કાએ કોરિયાએ મેચની દિશા નક્કી કરી દીધી હતી.
ભારત તરફથી અરમાનનો શાનદાર પ્રયાસ
ભારત માટે અરમાને એકલા હાથે લડત આપી અને 36:15 મિનિટના રમતમાં 25 પોઈન્ટ નોંધાવ્યા. તેણે 2 સ્ટીલ સાથે 19નું એફિશિયન્સી રેટિંગ મેળવ્યું. ખાસ કરીને બીજા ક્વાર્ટરમાં 3:33 મિનિટના ગાળામાં તેણે 12 પોઈન્ટ નોંધાવી ભારતની વાપસીની આશા જગાવી હતી. આ દરમિયાન તેણે ત્રણ ત્રણ-પોઈન્ટર, એક બે-પોઈન્ટ બાસ્કેટ અને એક ફ્રી થ્રો કર્યો હતો.
અંતિમ ક્વાર્ટરમાં ભારતની 11-0ની રન
મેચના અંતિમ ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે 11-0ની રન બનાવી હતી. 9:36થી 5:28 મિનિટ દરમિયાન ભારતે સ્કોર 46-76થી 57-76 સુધી પહોંચાડ્યો હતો. અંશ તોમરે આ રન દરમિયાન 7 પોઈન્ટ નોંધાવી મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે કોરિયાએ અંતે ફરી નિયંત્રણ મેળવી 90-61થી મેચ જીતી લીધી.
કોરિયાનો 39 મિનિટથી વધુ સમય સુધી દબદબો
કોરિયા સમગ્ર મેચમાં 39 મિનિટ 22 સેકન્ડ સુધી આગળ રહ્યું, જ્યારે ભારત માત્ર 14 સેકન્ડ માટે લીડમાં હતું. મેચ માત્ર 24 સેકન્ડ માટે ટાઈ રહી હતી. કોરિયાની સૌથી મોટી લીડ 30 પોઈન્ટની રહી હતી.
જાપાનનો કઝાકિસ્તાન સામે 36 પોઈન્ટનો વિજય
બીજી મેચમાં જાપાને કઝાકિસ્તાનને 81-450થી હરાવ્યું. જાપાન સમગ્ર મેચમાં ક્યારેય પાછળ રહ્યું નહોતું અને ત્રણ ક્વાર્ટરમાં કઝાકિસ્તાન કરતાં વધુ પોઈન્ટ મેળવ્યા હતા. અંતિમ ક્વાર્ટરમાં જાપાને 4:48 મિનિટમાં 14-0ની રન બનાવી અંતર વધુ વધારી દીધું હતું.
એલેક્સ મેકમિલિયનનું ડબલ-ડબલ
જાપાન તરફથી એલેક્સ મેકમિલિયને 16 પોઈન્ટ, 12 રિબાઉન્ડ અને 3 આસિસ્ટ સાથે ડબલ-ડબલ નોંધાવ્યું. તેણે 7માંથી 10 ફિલ્ડ ગોલ સફળ કર્યા અને 3 સ્ટીલ તથા 2 બ્લોક પણ મેળવ્યા. કેઈટો નાકામુરાએ 10 પોઈન્ટ, 5 રિબાઉન્ડ અને 5 આસિસ્ટ નોંધાવ્યા. જાપાનની સૌથી મોટી લીડ 36 પોઈન્ટ રહી હતી.
ઈરાને શ્રીલંકાને 68 પોઈન્ટથી હરાવ્યું
ત્રીજી મેચમાં ઈરાને શ્રીલંકાને 110-42થી હરાવી ટુર્નામેન્ટની સૌથી એકતરફી જીતમાંથી એક નોંધાવી. ઈરાન શરૂઆતથી જ આગળ રહ્યું અને 39 મિનિટ 56 સેકન્ડ સુધી લીડ જાળવી રાખી. શ્રીલંકા એક પણ વખત આગળ આવી શક્યું નહોતું.
મોહમ્મદ શમ્સી અંબૂહીનો શાનદાર દેખાવ
ઈરાનના પોઈન્ટ ગાર્ડ મોહમ્મદ શમ્સી અંબૂહીએ 12 પોઈન્ટ, 7 રિબાઉન્ડ અને મેચમાં સર્વોચ્ચ 15 આસિસ્ટ નોંધાવ્યા. ઉપરાંત 3 સ્ટીલ સાથે 29નું એફિશિયન્સી રેટિંગ અને +47 પ્લસ-માઈનસ નોંધાવ્યું. મોહમ્મદ યશાર કમાલખાલેદીએ 23 પોઈન્ટ સાથે ઈરાન તરફથી સર્વોચ્ચ સ્કોર કર્યો.
ત્રીજા ક્વાર્ટરમાં 19-0ની ધમાકેદાર રન
ઈરાને ત્રીજા ક્વાર્ટરમાં 6:14 મિનિટ દરમિયાન 19-0ની રન બનાવી શ્રીલંકાને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું. આ રનથી સ્કોર 22-55થી સીધો 22-74 થઈ ગયો હતો. અંતે ઈરાનની લીડ 68 પોઈન્ટ સુધી પહોંચી હતી.
ચીને કતારને 118-66થી હરાવ્યું
ચોથી મેચમાં ચીને કતારને 118-66થી પરાજય આપ્યો. ચીને પ્રથમ ક્વાર્ટરની શરૂઆતમાં જ 13-0ની રન બનાવી મેચ પર પોતાની પકડ મજબૂત કરી હતી. ત્યારબાદ દરેક ક્વાર્ટરમાં ચીને અંતર વધાર્યું અને અંતે 52 પોઈન્ટથી મોટી જીત નોંધાવી.
શ્વાન હાઓ ચીનનો હીરો બન્યો
ચીન તરફથી શ્વાન હાઓએ માત્ર 15:51 મિનિટમાં 18 પોઈન્ટ, 4 રિબાઉન્ડ અને 2 આસિસ્ટ નોંધાવ્યા. તેણે 8માંથી 7 ફિલ્ડ ગોલ સફળ કર્યા અને 3માંથી 3 ફ્રી થ્રો કર્યા. બોક્સિન ઝાઓએ 10 પોઈન્ટ અને 10 રિબાઉન્ડ સાથે ડબલ-ડબલ નોંધાવ્યું. કતાર તરફથી અબ્દુલ્લા મૌસાએ 22 પોઈન્ટ કર્યા હતા.
ચારેય મેચનું ચિત્ર
16 ઓગસ્ટની ચારેય મેચોમાં ભારત, કઝાકિસ્તાન, શ્રીલંકા અને કતારને હારનો સામનો કરવો પડ્યો. ભારત સામે કોરિયાએ 29 પોઈન્ટ, કઝાકિસ્તાન સામે જાપાને 36 પોઈન્ટ, શ્રીલંકા સામે ઈરાને 68 પોઈન્ટ અને કતાર સામે ચીને 52 પોઈન્ટના અંતરથી જીત મેળવી. આ પરિણામોએ ગ્રુપ તબક્કામાં કોરિયા, જાપાન, ઈરાન અને ચીનના દબદબાને સ્પષ્ટ કર્યો છે.
