ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ 

Spread the love

અકસ્માત વીમો અને મેડિક્લેઇમ પૂરો પાડવા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલ 

જૂનાગઢ

ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ દ્વારા ટ્રેકર્સને રૂ. 3 લાખથી રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પુરું પાડવામાં આવ્યું છે. વીમા કવચ અંગેની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવા માટે ટ્રેકર્સ માટે 16 અને 17 મે, 2026ના રોજ સાસણ ગિરમાં સિંહ સદન ખાતે કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે ટ્રેકર્સની કામગીરી ખૂબ જ જોખમી ગણવામાં આવતી હોવાથી વીમા કંપનીઓ તેમને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પુરું પાડવામાં આનાકાની કરતી હોય છે, પરંતુ શ્રી પરિમલ નથવાણીના વિશેષ પ્રયત્નોથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપનીએ વીમા કવચ પૂરું પાડ્યું છે.

અકસ્માત વીમા હેઠળ, ટ્રેકર્સના અકસ્માતને કારણે થયેલા મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને રૂ. 10,00,000 (રૂ. 10 લાખ) સુધીના વળતરની ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત, એક બાળકના ભણતર માટે રૂ. 25,000 સુધીની સહાય તથા બે બાળકો હોય તો મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય કરવામાં આવશે. જો અકસ્માતમાં કાયમી અપંગતા આવે તો તે માટે વળતર વીમા કંપનીના નિયમો અનુસાર ચૂકવવામાં આવશે, તેમજ અંગ ગુમાવવા, દૃષ્ટિ ગુમાવવાના કિસ્સામાં નક્કી કર્યા મુજબ વીમા કવચના અમુક ટકા રકમ ચૂકવવામાં આવશે. તદ્ઉપરાંત રજાનું વળતર, મેડિકલ ખર્ચ, મૃતકના પાર્થિવ દેહનો વાહન ખર્ચ, વિગેરે પણ અકસ્માત વીમા કવચના નિયમો પ્રમાણે આવરી લેવામાં આવ્યા છે.

ફોરેસ્ટ ટ્રેકર્સ માટેના મેડિક્લેઇમમાં રૂ. 3,00,000 (રૂ. 3 લાખ) સુધીની રકમ ચૂકવવામાં આવશે, જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, ટેસ્ટ અને દવાઓના ખર્ચ વિગેરેને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 30 દિવસના પ્રિ-હોસ્પેટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન સમયગાળાને પણ આવરી લેવામાં આવ્યો છે. વીમા કંપનીની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર આપવામાં આવશે.

શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “વીમા કવચ મળતાં અકસ્માતના કિસ્સામાં ટ્રેકર્સ અને તેમના પરિવારને નાણાકીય મદદ મળતાં તેઓ ખૂબ જ માનસિક રાહત અનુભવશે તેવી આશા છે. પ્રિમિયમની રકમની ચૂકવણી હું મારા વ્યક્તિગત ફંડમાંથી અર્પણ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં ટ્રેકર્સની આગવી ભૂમિકા રહેલી છે અને ખાસ કરીને ઘાયલ થયેલા અથવા તો હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટનો ભોગ બનેલા વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવાની જોખમી કામગીરીમાં તેમને ઇજાનો ભય રહેલો હોય છે.”

શ્રી નથવાણીએ વધુમાં જાણવ્યું હતું કે આગામી 10 વર્ષના સમયગાળા સુધી આ અકસ્માત વીમાના પ્રિમિયમની રકમનું યોગદાન તેઓ વ્યક્તિગત રીતે અથવા તેમના ટ્રસ્ટના માધ્યમથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીને આપીને તેમનો સહયોગ ચાલુ રાખશે. 

ટ્રેકર્સ માટેની કાર્યશિબિરમાં મુખ્ય વનસંરક્ષક શ્રી રામ રતન નાલા, ગિરના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ, ગિર પશ્ચિમના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *